આગ બાદ આશાનું કિરણ બન્યું ફાયર વિભાગ
‘સેવા અમારી, સુરક્ષા તમારી’ સૂત્રને સાકાર કરતાં ફાયર જવાનોએ ફરજથી આગળ વધી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનું સૂત્ર ‘સેવા અમારી, સુરક્ષા તમારી’ માત્ર શબ્દો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેને કર્મ અને કરુણાથી સાકાર કરવામાં આવી રહ્યું છે. આગ જેવી વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે લોકોના જાનમાલની સુરક્ષા કરનાર ફાયર જવાનો અનેક વખત માનવતાની મિસાલ પણ ઉભી કરતા આવ્યા છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટનામાં રાજકોટના કોઠારિયા ફાયર સ્ટેશનના કર્મચારીઓએ આગથી બેઘર જેવી સ્થિતિમાં આવી ગયેલા ગરીબ પરિવારને મદદનો હાથ લંબાવી સમાજ સમક્ષ સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ તીર્થ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ક્વાર્ટર નંબર-404માં રહેતા નિલેશભાઈ સોલંકીના નિવાસસ્થાને અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીઝના કોઠારિયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશભાઈ પી. ચુડાસમા, મોઈનભાઈ શેખ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર જવાનોએ ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આસપાસના રહેણાંક વિસ્તારમાં આગ ફેલાઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી. જોકે, આગની ઘટનામાં નિલેશભાઈ સોલંકીના પરિવારની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘરમાં રહેલી સેટી, પલંગ, કબાટ, ગાદલા સહિતની આવશ્યક ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો.
- Advertisement -
આગ બુઝાવવાની ફરજ પૂર્ણ કર્યા બાદ ફાયર સ્ટેશનના કર્મચારીઓએ પરિવારની આર્થિક સ્થિતિ અને તેમની વ્યથા નજીકથી અનુભવી હતી. ત્યારબાદ તેમણે માત્ર પોતાની ફરજ સુધી મર્યાદિત ન રહી માનવતાની ફરજ નિભાવવાનો નિર્ણય કર્યો હતો. કોઠારિયા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક યોગદાન એકત્રિત કરીને આગથી અસરગ્રસ્ત પરિવારને લોખંડનો સેટી-પલંગ, કબાટ તેમજ ગાદલાની ભેટ અર્પણ કરી હતી. ફાયર જવાનોની આ સંવેદનશીલ કામગીરીએ પરિવારને ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધવાની આશા અને હિંમત આપી છે. રાજકોટ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીઝ માત્ર આગ બુઝાવવાની અને બચાવ કામગીરી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે આશા અને સહારાનું કિરણ બની માનવતાની સેવા માટે પણ સતત કાર્યરત છે. કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનો દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવનાનું જીવંત ઉદાહરણ બની છે. પડકારજનક પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા અને જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય તે માટે પોતાના જીવની પરવા કર્યા વગર કાર્યરત રહેતા ફાયર જવાનો આ વખતે માત્ર રક્ષક જ નહીં, પરંતુ એક મુશ્કેલીમાં મુકાયેલા પરિવાર માટે આશીર્વાદ અને સહારો બની ઉભા રહ્યા હતા.




