ફેલિક્સ પ્રકાશનના નવા ગુજરાતી અનુવાદમાં રોબિન્સનની સાહસકથા સાથે આધ્યાત્મિક અંતરયાત્રાનું અદભુત આલેખન
પરેશ રાજગોર : વિશેષ
- Advertisement -
ડેનિયલ ડેફો લીખીત નવલકથા રોબિન્સન ક્રુઝો સૌ પ્રથમવાર 1719માં પ્રકાશિત થઈ હતી. તેને અંગ્રેજી સાહિત્યમાં લખાયેલી શરૂઆતની નવલકથાઓમાંથી એક ગણાવી શકાય. આજે 3 સદીથી વધુ સમય વીતી જવા છતાં આ નવલકથા વર્લ્ડ ક્લાસિક સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આજે એના ગુજરાતી અનુવાદ વિશે વાત કરવી છે.
આ નવલકથાના છેલ્લા 100 વર્ષમાં ઘણા જુદાજુદા અનુવાદકો દ્વારા ગુજરાતીમાં પણ અનુવાદ થયા છે. સાહસકથાના શોખીનો માટે આ પ્રિય પુસ્તક છે. યુવાનોને સાહસકથાઓ વાચવા આ કથા ખાસ ભલામણ કરવામાં આવે છે. આજે આ કથાના એક નવા અનુવાદ વિશે વાત કરવી છે. ગુજરાતીમાં ફેલિક્સ પ્રકાશન દ્વારા રોબિન્સન ક્રુઝોનો નવો અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અનુવાદક છે સાધના નાયક દેસાઈ.
નવલકથાની વાર્તા એવી છે કે રોબિન્સન ક્રુઝો નામનો યુવાન પોતાના માતાપિતાની વાત ન માની જહાજી સફર પર નીકળી જાય છે. એવી એક સફરમાં ભંગાણ થતાં તે એક માત્ર સદનસીબ નાવિક બચી એક અજાણ્યા ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુ પર કોઇ માનવ વસાહતી નથી. તેની પાસે જહાજમાંથી બચાવેલ થોડો સામાન છે. એમાંથી જ એણે નવા જીવનની શરૂઆત કરવાની છે. તેનું જીવન અનેક મુશ્કેલીઓ ભર્યું છે. આખી કથામાં રોબિન્સન 29 વર્ષ એકલો આ ટાપુ પર કાઢે છે. દરિયામાંથી પસાર થતાં જહાજની પણ નજર તેના પર ક્યારે પડતી નથી કે કોઇ જહાજ આ ટાપુ પર આવતું નથી.
29 વર્ષોના ટાપુ નીવાસ દરમિયાન તે જાતે જ માટલા બનાવતા, નાની હોડી બનાવી માછીમારી કરતાં, ઝૂંપડી બાંધતાં, શિકાર કરતાં, ખેતી કરતાં તેમજ ટાપુના પ્રાણીઓને પાળીને પશુપાલન કરવા જેવી પ્રવૃત્તિઓ શીખે છે. અગાઉના સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદોમાં આ બધા સાહસો વર્ણવ્યા છે. પરંતુ નવો અનુવાદ રોબિન્સનના સાહસો સાથે તેની માનસિક વ્યથાને વધુ સારી રીતે રજૂ કરે છે. તે તેની રોજનીશી લખે છે. જ્યારે જ્યારે આફત આવે છે અને કોઇ માર્ગ ન જણાય ત્યારે તેને ઇશ્વરની યાદ આવે છે. તેની આધ્યાત્મિકતા જાગૃત થાય છે. પણ જેવી તકલીફ દૂર થાય બાદમાં તે પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે. શું આપણું પણ આવું નથી કે તકલીફ આવે કે કોઈ રસ્તો ન દેખાય ત્યારે આપણે ઇશ્વર પર શ્રધ્ધા રાખી તેના પર બધું છોડી દઈએ છીએ.
એકલવાયા ટાપુ પર કોઈ માણસ ન હોવાથી નથી કોઈ કાયદા કે નથી કોઈ સમાજ, આવી સ્થિતિમાં એકલવાયો માનવી કેવી વ્યથા અનુભવે છે એ પણ અનુવાદકે મૂળ પુસ્તકમાંથી ખૂબ સારી રીતે સમાવ્યું છે. આમ આ રોબિન્સન ક્રુઝોની બાહ્ય સાહસકથા ન બની જતાં તેની અંતરયાત્રાની પણ કથા બની રહે છે. રોબિન્સનના અગાઉના અનુવાદો મેં વાચ્યા છે પણ રોબિન્સનની અંતરયાત્રાનું પાસુ કોઇ અનુવાદમાં આટલી સારી રીતે સમાવાયું નથી.
આ કથાનીએ બીજી એક બાબત મને ખાસ ધ્યાને પડી છે જેનો ઉલ્લેખ અગાઉના કોઈએ કર્યો હોય એ મારા ધ્યાનમાં નથી. રોબિન્સન ટાપુ પર નવી નવી વસ્તુઓનું સર્જન કરતાં શીખે છે. સૌ પ્રથમ વખત માટીના વાસણ બનાવે છે. જે બેઢંગા છે. પણ બીજે વર્ષે વધુ મહેનતે વધુ સારા વાસણ બનાવે છે. 5-7 વર્ષ બાદ તે આવી કોઈ પણ વસ્તુની બનાવટમાં મહારથ મેળવે છે. વાચકને આ પ્રક્રીયા ખૂબ ધીમી લાગે. પરંતુ લેખકે માનવજાતિના હજારો વર્ષોના વિકાસને આવા ટૂંકા ગાળામાં ઝડપી ગતિએ વણી લીધો છે. આને માનવજાતિની વિકાસગાથા તરીકે પણ જોઇ શકાય.
આ કથા વિશે અનુવાદકે કેટલીક માહિતી પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવી છે. જે કંઈ આ મુજબ છે.
“લેખકને આ પાત્રની પ્રેરણા એલેકઝાન્ડર સેલકર્ક નામના એક સ્પેનીશ વ્યક્તિના જીવનમાંથી મળી હતી. તે પેસેફિકના કોઈ ટાપુ પર ફેંકાઈ ગયો હતો. તેણે તે ટાપુ પર ચાર વર્ષ વિતાવ્યાં હતાં. ત્યારબાદ તેને બચાવી લેવાયો હતો. તેઓ જે ટાપુ પર ફસાઈ ગયા હતા, તેને ૧૯૬૬માં ‘રોબિન્સન ક્રુઝો’ નામ અપાયું હતું. આ પુસ્તક પર આધારિત ઘણી ફિલ્મો પણ બની છે.
બાળપણથી જ આપણે શીખતા આવ્યા છે કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માણસ સમાજ વગર જીવી ન શકે. કોઈના સાથ-સંગાથ વગર જીવી ન શકે એવું આપણે સાંભળતા આવ્યા છે. એક સમય હતો, જ્યારે વિશાળ કુટુંબો હતાં. સમાજ અને કુટુંબ કદાચ એકબીજાનાં પર્યાય હતાં. બદલાતા સમયમાં સંયુક્ત કુટુંબો તૂટી વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યાં. વ્યક્તિગત સ્વતંત્રતા પર વધારે ભાર મૂકાતો ગયો. હવે આપણે એક જુદી જ સમાજવ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ. માણસ પોતાને ગમતો સમાજ જાતે જ બનાવી લે છે. મિત્રોનું જૂથ હવે સમાજ બની રહ્યું છે, પરંતુ સમાજનું મહત્ત્વ તો રહ્યું જ છે. માણસને હસવા-રડવા, સુખ-દુઃખ વહેંચવા કોઈ તો જોઈએ જ!
જો કોઈ કારણસર, કોઈ વ્યક્તિને સમાજથી એકલા-અટૂલા જીવવાની ફરજ પડે તો શું થાય ? એ જીવી શકે? એ કેવું જીવન હોય ? એને જીવવાનું બળ કોણ પૂરું પાડે ? એની કથા એટલે—‘રોબિન્સન ક્રુઝો’.
રોબિન્સનની સાહસકથા કિશરવયે વાચનારાઓ એ પણ રોબિન્સનની આ નવા સ્વરૂપની આધ્યાત્મ કથા અચૂક વાચવી રહી.




