કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
હમણાં એક કરોડપતિ ઉદ્યોગપતિ યુવાનની એની માત્ર વીસ વર્ષની થનાર પત્નીએ કથિત રીતે હત્યા કરી…
- Advertisement -
આ ટોક્સિક શબ્દ આમ તો વસ્તુ માટે વપરાય.પણ હવે છેલ્લા કેટલાક વર્ષથી માણસો માટે પણ યુઝ થાય છે
કહેવાય છે જોડીઓ સ્વર્ગમાંથી બનીને આવે છે. તો આવી જોડીઓ કેમ બને છે? કેમ નિર્દોષ લોકો એકદમ ક્રિમીનલ લોકો નો ભોગ બને છે?? ચાલો જાણીએ. આપણે ત્યાં સગપણ કરતા પહેલા કુંડળી મેળવવાની પ્રથા છે.. જ્યોતિષમાં માનવું કે ના માનવું અંગત બાબત રાખીએ તો પણ કુંડળી મેચિંગ પાછળ જ્યોતિષ એક મહત્વનું કારણ આપે છે.
જ્યોતિષ કહે છે કે કુંડળી મેચિંગ એટલે આવશ્યક છે કે જો કોઈ મલિન વૃત્તિ અથવા શક્તિશાળી માણસના લગ્ન કોઈ સાત્ત્વિક વૃત્તિ વાળા માણસ સાથે થઈ જાય તો સ્વાભાવિક રીતે સાત્વિક વૃત્તિ વાળા માણસનું જીવન નર્ક બની જાય. એ જ રીતે કોઈ વિપરીત શક્તિ (યંગ લોકોની ભાષામાં કહીએ તો ઓરા અથવા એનર્જી) ધરાવતા લોકો જો લગ્ન કરી લે તો બેય ભટકાઈ ભટકાઈ ને લગ્નજીવન ને નંદવી નાખે , સંતાનોના જીવન ઉપર પ્રભાવ પડે એ અલગ.
આથી જ્યોતિષ દૂષિત કુંડળી ધરાવતા લોકો સાથે ચોખ્ખી કુંડળી ધરાવતા લોકોના લગ્ન કરવાની ઘસીને ના પાડે છે.. દૂષિત કુંડળી એટલે કે ક્રૂર ગ્રહોનો પ્રભાવ વધારે હોય એવી કુંડળી. કોઈ મલિન જાતીય વૃત્તિ વાળા હોય , કોઈ બહુ ક્રોધી હોય, કોઈ અતિ લાલચી તો કોઈ અતિ કપટી હોય …આવા લોકો દૂષિત કુંડળી વાળા હોય છે. એટલું જ નહિ પણ ખૂબ ઢીલા, આળસુ, પ્રમાદી, દુઃખિયારા, અક્કરમી, દુઃસાહસી, જુગારી, વધુ પડતાં ભાગ્યવાદી, વધુ પડતાં આધ્યાત્મવાદી, વૈરાગ્ય વૃત્તિ વાળા લોકો પણ દૂષિત કુંડળી વાળા ગણાય. અને કોઈ વાર તો બેય પાત્ર જ્યોતિષની દ્રષ્ટિએ “ચોખ્ખા” હોય પણ એકબીજા સાથે ૩૬ નો આંકડો હોય એવું પણ બને.. બારમો ચંદ્રમા જેવો યોગ હોય એવું પણ બને .. બારમો ચંદ્રમા એટલે કે એના મન વચ્ચે બાર સ્થાન છેટું હોય. કુંડળીમાં બારમું સ્થાન છેલ્લુ સ્થાન ગણાય છે. બેયના મન એકબીજાથી વિપરીત દિશામાં ચાલતા હોય..શરીરથી એકબીજા સાથે હોય પણ માનસિક રીતે એકદમ દૂર બેઠા હોય.. આને બારમો ચંદ્રમા કહેવાય. જે માણસના મન અને આત્મા વચ્ચે પણ આવું અંતર હોય એને ય બારમે ચંદ્રમા હોવાની સંભાવના હોય ..
લગ્ન થાય ત્યારે માત્ર શરીર નહિ પણ મનનો મેળાપ પણ બહુ અગત્યનો હોય છે. મિસમેચ હોય એવા લોકોના લગ્નો ટકતા નથી અને ટકી જાય તો બહુ દુઃખદાયક નીવડે છે. ઘણી વાર એવા કિસ્સાઓ જોવા મળે કે બેય સ્વસ્થ લોકો હોય પણ અનેક વર્ષ સુધી બાળકો ના થયા હોય.. એ પણ એક પ્રકારનું મીસમેચિંગ છે.
મનોવિજ્ઞાનીઓ અને તત્વદર્શીઓ પણ આ મીસમેચને જાણે છે. તેઓ પણ કહે છે કે ટોકસિક માણસ સાથે નોર્મલ માણસનો સંબંધ થવો ભયાનક છે..
- Advertisement -
શું માણસો પણ ઝેરી હોય?
આપણી ભાષામાં શબ્દ છે : મલેરછ.
મલેરછ એટલે મલિન ઈચ્છવા વાળો/વાળી..
આ મલિન એટલે કે ગંદી મંશા વાળા લોકોને આજની ભાષામાં ટોક્સિક લોકો કહી શકાય.
જ્યોતિષને ફરી વાર યાદ કરીએ તો જ્યોતિષ તો કુંડળી ઉપર થી ટોક્સિક્ માણસને પકડી પાડે છે.. (ખાતરી હોય નહિ તો કોઈ અનુભવી જ્યોતિષને પૂછી જોવું ચકાસી જોવું) પણ આજનો યુગ વિજ્ઞાનનો છે.
આજના યુગમાં કેમ ખબર પડે કે સામે વાળો મલેચ્છ છે… ટોકસિક છે… નીચ વૃત્તિનો માણસ છે ? તો મનોવિજ્ઞાનીઓ અને જાણકારો આવા ટોકસિક લોકોની અમુક લાક્ષણિકતાઓ જણાવે છે…
1. આત્મમુગ્ધતા (અભિમાન) :
ટોકસિક લોકો નારસિસ્ટિક હોય. પોતાનાથી પોતે જ મુગ્ધ હોય. સતત પોતાના વખાણ કરવા, પોતાના જાહેર દેખાવ માટે સતત સજાગ રહેવું.. સતત ફોટા પડાવવા.. સતત પોતે કાઇક છે તે જતાવતું, બતાવતું રહેવું.. બીજા પાસેથી પણ એવા વખાણની આશા રાખવી. બીજાને નીચા દેખાડવા સતત તત્પર રહેવું.. આ બધા લક્ષણ નીચ ટોક્સિક માણસના છે. ટોક્સિક લોકો હમેશા સેલ્ફસેન્ટર્ડ હોય. એ લોકો પોતાના નજીવા લાભ માટે સામેવાળા નું મસમોટું નુકસાન કરતા અચકાય નહિ.
2. અતિ વાચાળતા / અતિ ઓછાબોલાપણું:
ટોકસિક લોકો કા તો ખૂબ બોલકા અને કા તો અતિ મીંઢા હોય છે. એમની વાણી કડવી, રુક્ષ, કટાક્ષ યુક્ત અને ચમત્કારી હોય છે.
3. અસભ્યતા/ અતિ સભ્યતા વાળો બાય પોલાર સ્વભાવ:
આ લોકો પોતાની ગરજ પ્રમાણે એકદમ તોછડા અને એકદમ સભ્ય બની શકે એવા હોય છે. પોતાનાથી નાના માણસો સાથે આ લોકો અતિ અવિવેક થી તો પોતાનાથી ઊંચા લોકો સાથે અતિ નમ્રતાથી આ લોકો વર્તતા હોય છે.
4. વિકટીમ કાર્ડ પ્લેયર :
ટોકસિક લોકોને વિક્ટીમ કાર્ડ રમવાની ભારે કુશળતા હોય છે. તેઓ ગમે તે પરિસ્થિતિમાં વિકટીમ બનીને પોતાને રજૂ કરી શકે છે. બીજાને ભયંકર નુકસાન કરીને પોતાને થયેલા સામાન્ય નુકસાનનું વિક્ટીમ કાર્ડ રમીને તેઓ ગેમ જીતવા માંગતા હોય છે.
5. કૃતઘ્ન વર્તન:
જેના આ ટોક્સિક લોકો ઉપર ઉપકાર હોય એને પણ પાટું મારવામાં આ નીચ લોકો જરાય શરમાતા કે મૂંઝાતા નથી. સહજાનંદ સ્વામી જ્યારે નાનપણમાં સન્યાસી થઈને ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એક આવો માણસ એમને ભટકાયેલો. જે ખૂબ સેવા કરાવે પણ ગાળો અને અપમાન સતત કરે..ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું કે કૃતઘ્ન વ્યક્તિની સેવા ના હોય. જો તમારો બૉસ કે ઉપરી આવો છે તો જલદી સ્વીચ કરો. આવા ટોકસિક લોકો કોઈનો ઉદ્ધાર કરી શકતા નથી.
6.વારંવાર સફેદ જૂઠ બોલવાની ટેવ:
ટોકસિક લોકોને સતત ઝીણું ઝીણું ખોટું બોલવાની ટેવ હોય છે. કારણ વિના પણ એ લોકો ખોટું બોલી શકે અને એ પણ એકદમ છાતી કાઢીને!! કોઈની હત્યા કરીને પોતે એના ઉપર પોકે પોકે રડી શકે એવા આબાદ અભિનેતા એટલે ટોકસિક લોકો!!
7. લીડર શીપ સ્કીલ :
જ્યોતિષ કહે છે કે અમુક રાશિઓ અને અમુક દુષ્ટ ગ્રહો બહુ શક્તિશાળી છે. આ લોકો અત્યંત બોસી મેન્ટાલીટી વાળા હોય છે. દુષ્ટ , ટોક્સિક લોકો રાજકારણ અને કળા ક્ષેત્રમાં બહુ આગળ આવે છે. રાજકારણમાં સારો માણસ ગોતવો એક પડકાર રૂપ કામ હોય છે એનું કારણ એ છે કે ટોક્સિક લોકો રાજકારણની જન્મજાત કુશળતા ધરાવતા હોય છે.
આ બધા લક્ષણો ટોકસિક માણસોના ગણાવ્યા. માણસ માત્ર દોષનું પોટલું હોય છે પણ ટોક્સિક માણસો દોષના ખટારા કે દોષના અખૂટ ભન્ડાર સમાન હોય છે.
આ ટોકસિક લોકોનો ઉપાય ?
આઘુ રહેવું એક જ ઉપાય ! કેમકે લોઢું લોઢાને કાપે એમ દુષ્ટને બીજો દુષ્ટ જ કાપી શકે છે.
સજ્જન ને એની સામે ટકવા પ્રબળ સાધના (સુર્ય સાધના, ફિટનેસ, બુદ્ધિ ચાતુર્ય અને તપ) જોઈએ. દુર્ભાગ્યે સજ્જન લોકો નિષ્ક્રિય હોય છે!!
એટલે નિર્દોષ કેતનો મરતા રહે છે. નિર્દોષ લોકો રાજકરણ નો ભોગ બનતા રહે છે, કદી કોઈ રાજકારણીનું સ્વજન હુલ્લડમાં મરતું નથી..




