નોટિસ ઘરે આવતા ભાંડો ફૂટી ગયો : સરધારના શખ્સ સહીત ચાર સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ
સાગરીત જમીન મકાનનો ધંધાર્થી બની પહોંચ્યો હતો : વૃધ્ધાના બદલે અજાણી મહિલાએ સહી-અંગૂઠા મારી દિધા
- Advertisement -
સરધારની કિંમતી નવ વિઘા જમીનનો ભુ-માફિયાઓએ બોગસ દસ્તાવેજ કરી પચાવી પાડવાનો કારસો ખુલ્લો પડ્યો છે લાખાપર ગામના નિરાધાર વૃધ્ધ દંપતીને એક માત્ર મિલકત પર સરધારના શખ્સે કાવતરું ઘડી 5 કરોડની જમીન પચાવવા બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યો હતો આજી ડેમ પોલીસે વૃદ્ધા તરીકે સહી-અંગુઠો કરનાર મહિલા સહીત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરધારના લાખાપર ગામમાં રહેતાં માવજીભાઈ મનજીભાઈ કાનાણી ઉ.62એ સરધારના મહાવીરસિંહ રાવતબાપુ વાળા, રાજકોટના રાજ વીભા સોલંકી, ભાવેશ જશવંતરાય નિમાવત અને કોઈ અજાણી સ્ત્રી સામે આજીડેમ પોલીસમાં છેતરપિંડીની અલગ અલગ કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે. તેઓને સરધાર ગામના સર્વે નંબર 574 પૈકી 1 થી હે,-1 આરે.41 ચો.મી. 64 વાળી સરધાર ગામ તથા લાખાપર ગામ વચ્ચે આશરે નવ વીઘા જમીન તેમના પત્ની વજીબેન માવજીભાઈના નામે આવેલી છે દોઢેક મહિના પહેલા તે વાડીએ હતા ત્યારે એક ભાઇ તેમની પાસે આવ્યા હતા અને કહેલ હુ જમીન લે-વેચનુ કામ કરૂ છુ. તમારી જમીન વેચાઉ છે ? તેમ કહેતા તેને હા પડેલ જેથી તેનુ નામ પુછતા રાજુભાઇ હોવાનુ જણાવેલ અને તેના ફોન નંબર આપેલ હતાં. કીંમત પુછતા એકરના 1.55 કરોડ કહેતા તેણે કહેલ કે હા આ ભાવમાં પાર્ટીને સંભાળવી છે તેમ કહી જમીન જોઇને તે જતો રહ્યો હતો.
બાદ ઘરે જઈ પત્નીને આ જમીન અને કીમત બાબતે વાત કરી હતી જેથી તેણે કહેલ કે ભાવ સારો આવતો હોય તો વેચી નાખીએ, દરમિયાન મોબાઇલમાં ફોન આવતા ઉપાડતા તેણે કહેલ કે, દાદા હું તમારી જમીન જોવા આવેલ તે રાજુભાઈ બોલુ છું, મને તમારી જમીનના સર્વે નંબર જોઇએ છે, જેથી ફરીયાદીએ કાકાના દીકરાના દીકરા ભાવેશને કહેલ કે, હુ ફોન નંબર આપુ તેમા મારી જમીનના સર્વે નંબર મોકલી દે કહેતાં તેને સર્વે નંબર મોકલી આપેલ હતાં બે ત્રણ દિવસ બાદ રાજુભાઇનો ફરી ફોન આવેલ કે, તમારા પત્નીનું પાનકાર્ડ અને તમાંરૂ આધાર કાર્ડ દયો, મારે જમીન લેવા વાળી પાર્ટીને બતાવવા જોઇએ છે મને લાખાપર બસ સ્ટેશનએ આપી જાવ, તેમ કહેતા તેઓએ તેમના પત્નીનું પાન કાર્ડ અને પોતાનું આધારકાર્ડ આપવા ગયેલ અને તેને તેના ફોનમાં ફોટા પાડેલ અને જતો રહેલ પાંચ દિવસ બાદ રાજુભાઇને ફોન કરીને કહેલ કે, કયારે બેઠક અને સોદો કરવો તેમ પુછતા તેણે કહેલ કે, પાર્ટી હરીદ્રાર ગયેલ આવે બેઠક કરીએ તેમ કહેલ હતુ દરમિયાન દશેક દીવસ પહેલા ઘરે નોટીસ આવતા કાકાના દીકરા જયસુખભાઇને વંચાવતા તેણે કહેલ કે, તમારી જમીન બીજાના નામે દસ્તાવેજ થઇ ગયો અને જમીન મહાવીરસિંહ રાવતબાપુ વાળાએ ખરીદેલ તેવુ લખેલ છે, તેઓએ તરત પત્નીને આ બાબતે વાત કરતા તેણે કહેલ કે, આપણે કોઈ જગ્યાએ બેઠક થયેલ નથી કે કોઇને જમીન વેચાતી આપેલ નથી કે ક્યાંય સહી, અંગુઠા કરવા કે દસ્તાવેજ કરવા ગયેલ નથી તો કેવી રીતે દસ્તાવેજ થયેલ તેમ વાત કરતા બંન્નેએ વિચારેલ કે થોડા દિવસ પહેલા રજુભાઈ નામનો માણસ માહીતી લઇ ગયો હતો તેને પુછીએ તેમ કહીને તેને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.
જેથી તેઓએ સાળાના દીકરા ચતુરભાઈને ફોનથી આ બાબતે વાત કરેલ અને બીજા દિવસે દંપતી રાજકોટ વકીલ પાસે અરજી લખાવીને રાજકોટ મામલતદાર કચેરીએ જમીનમાં એન્ટી ન પડે તે માટે વાંધા અરજી આપી આવેલ અને બીજા દિવસે સાળાના દીકરા વિજયભાઈએ પાસે આવીને દસ્તાવેજની નકલ આપીને કહેલ કે, તમારી જમીન મારા ફઈના નામની છે જે અમારા ગામના મહાવીરસિંહ રાવતબાપુ વાળા કાઠી દરબારએ રૂ.6.30 લાખમાં વેચાણ રાખ્યાનો તેના નામનો દસ્તાવેજ તા. 1/6/2026 ના રોજ થયેલ તેમા ઓળખ આપનાર રાજ વિભા સોલંકી, ભાવેશ જસવંતરાય નિમાવત છે જેથી ફરીયાદીએ તેને કહેલ અમે કોઇને જમીન વેચાતી આપેલ નથી કે કોઈ પાસેથી પીયા પણ લીધેલ નથી અને તારા વજીફઇ કોઇ જગ્યાએ દસ્તાવેજ કરવા ગયેલ નથી કે કયાય સહી અંગુઠા કરેલ નથી અને દસ્તાવેજમાં ઓળખ આપનારને ઓળખતા પણ નથી તેમ કહેતા તેણે દસ્તાવેજની નકલમાં પત્નીના ફોટા બતાવતા તેમા પાનકાર્ડ પત્નીના ફોટો વાળુ હોય પરંતુ ઓનલાઇન ફોટામાં તેમજ બીજો એક લગાડેલ ફોટો જોતા જે પત્નીનો ન હોય અને બીજી કોઇ અજાણી સ્ત્રીના ફોટા જોવામાં આવેલ હતો જેથી તેઓની પત્નીને બદલે બીજી કોઇ અજાણી સ્ત્રીએ જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ કરેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ.જે.વરૂ અને ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.




