સોનાપુરી ખાતે હજારોની ભીડ ઉમટતાં વ્યવસ્થા ખોરવાઈ
ભવનાથ હાઈવે પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ, પોલીસની ગાડીઓ પણ અટવાઈ
- Advertisement -
રાત્રે ૧૧ વાગ્યે પોલીસે ડાયરો બંધ કરાવી વાહનો સિટી તરફ ડાયવર્ટ કર્યા
જૂનાગઢમાં સૌપ્રથમ વખત સોનાપુરી સ્મશાન ખાતે એક અનોખા અને ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની એટલી વ્યાપક પ્રસિદ્ધિ થઈ હતી કે, જાહેરાત જોતાની સાથે જ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો સોનાપુરી ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક કલાકારો સ્ટેજ પર પોતાની કલા પીરસવા સજ્જ હતા, પરંતુ ધારણા કરતાં વધુ મેદની એકઠી થતાં સમગ્ર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. આ અણઘડ પાર્કિંગના કારણે ભવનાથ તરફ જતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. રસ્તાઓ પર કલાકો સુધી વિકરાળ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા નીકળેલી પોલીસની સરકારી ગાડીઓ પણ અટવાઈ પડી હતી. ભવનાથ તરફ જતી પ્રવાસીઓની ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી.શરૂઆતમાં ઘટનાસ્થળે સ્થાનિક ભવનાથ પોલીસની ગેરહાજરીના કારણે વાહનચાલકો પર કોઈ અંકુશ રહ્યો ન હતો. જ્યારે સ્થિતિ વધુ ગંભીર બની ત્યારે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટનાસ્થળે પહોંચવા કડક આદેશ આપ્યા હતા. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી, વધુ ભીડને કારણે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી. આ આકરા પગલાંને કારણે અડધા કલાકારો પોતાની પ્રસ્તુતિ પણ આપી શક્યા ન હતા. ત્યારબાદ પોલીસે લોકોને ભવનાથ તરફ જતા અટકાવી, તમામ વાહનોને જૂનાગઢ સિટી તરફ વાળી દઈ મુખ્ય માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.




