શેડની નીચે 50-55 લોકો દટાયા હોવાની આશંકા, 4નું રેસ્ક્યુ કરાયું
સેનાના જવાનો તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાયા
- Advertisement -
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના તારાતલ્લા વિસ્તારમાંથી બુધવારે બપોરે નિર્માણાધીન (બાંધકામ હેઠળના) ગોડાઉનનો વિશાળ શેડ પત્તાના મહેલની જેમ અચાનક તૂટી પડ્યો હતો. આ કરુણ અકસ્માત સમયે ત્યાં આશરે 50 થી 60 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, જેઓ પલકવારમાં જ કાટમાળ નીચે ફસાઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસનની સાથે ભારતીય સેના (આર્મી) ને પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનમાં ઉતારવામાં આવી છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સૂચના મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ (દમકલ વિભાગ) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધન) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં 6 થી 7 શ્રમિકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. લોખંડના ભારે બીમને કાપવા માટે ગેસ કટર અને કાટમાળ હટાવવા માટે વિશાળ ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. કાટમાળ નીચે હજુ પણ દબાયેલા મજૂરોનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેના કારણે બચાવ ટીમો અત્યંત સાવધાનીપૂર્વક કામ કરી રહી છે. રાજ્ય સરકારે સ્થિતિ પર નજર રાખવા માટે મુખ્ય મથક ‘નવાન્ન’ ખાતે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. રાજ્ય સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1070, 8697981070 અને 033-22143526/22535185 જાહેર કર્યા છે.




