રિજિજુ બોલ્યા- શાહ બોલે ત્યારે શાંતિથી સાંભળે વિપક્ષ, લોકસભા આવતીકાલ સુધી સ્થગિત
ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીના મામલે ગૃહમાં જવાબ આપશે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સોમવારે આ અંગે જાણકારી આપી હતી. કિરણ રિજિજુએ કહ્યું કે જ્યારે શાહ બોલે ત્યારે વિપક્ષે તેમની વાત શાંતિથી સાંભળવી જોઈએ.
- Advertisement -
રિજિજુએ કહ્યું કે એક-એક વાતનો જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે અમિત શાહ બોલે ત્યારે તેમના જવાબ દરમિયાન વિપક્ષ હોબાળો ન કરે.
જોકે શાહ ક્યારે બોલશે, તેની સરકારે જાણકારી આપી નથી. દિલ્હીમાં 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે જ દિવસે સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ પણ હતો.
સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષી દળો વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં ચોરી મામલે શાહ પાસેથી સતત જવાબ માંગી રહ્યા છે.
- Advertisement -
વિપક્ષની નારેબાજી અને હોબાળા વચ્ચે લોકસભાએ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026ને ચર્ચા વગર પસાર કરી દીધું. ત્યારબાદ ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
13 ઓગસ્ટે સત્રનું સમાપન છે. છેલ્લા ત્રણ અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને સતત ગૃહમંત્રી સદનમાં આવે અને નિવેદન આપે તેવી માંગ કરી રહ્યું છે.
વિપક્ષી સાંસદોએ સોમવારે પણ સંસદમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જ્યાં સુધી શાહ સંસદમાં આવીને નિવેદન નહીં આપે ત્યાં સુધી હોબાળો ચાલુ રહેશે. કોંગ્રેસે તેના તમામ સાંસદોને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે.
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા. તેમાં ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ, 2026નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ (નામમાં ફેરફાર) બિલ, 2026 અને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ, 2026 પણ રજૂ કરવામાં આવ્યા.
વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદ પરિસરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય વિપક્ષી સાંસદો ‘અમિત શાહ જવાબ દો’ના પોસ્ટર લઈને આવ્યા અને શાહ વિરુદ્ધ નારેબાજી કરી.




