કાલાવાડ તથા પેડક રોડ પર આવેલા સ્વિમિંગપુલ તથા જિમ્નેશિયમના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા થશે
કુલ 24 દરખાસ્તમાંથી 21 મંજૂર: વોર્ડ નં.14માં 20.82 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ તેમજ 21.07 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનશે
- Advertisement -
₹2.30 કરોડના ખર્ચે રેસકોર્સ રિંગ રોડ પર ડેકોરેટિવ લાઈટિંગ તથા અર્બન ગ્રીનિંગ પોલીસીની દરખાસ્ત વધુ અભ્યાસાર્થે પેન્ડિંગ રખાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પરેશ પિપળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કુલ 24માંથી 21 દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે 2 દરખાસ્ત પેન્ડિંગ અને એક નામંજૂર કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 86,54,94, 556ના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરના માળખાકીય વિકાસ, પર્યાવરણ અને જનસુખાકારીને લગતા કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોની કાર્યસૂચિ પર ચર્ચા-વિચારણા કરીને મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં શહેરના વોર્ડ નં. 14માં આવેલા પ્રખ્યાત સોરઠીયાવાડી ગાર્ડનનું ₹ 3.10 કરોડના ખર્ચે આધુનિક નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરીજનોની સુવિધા અને સુરક્ષા વધારતા વોર્ડ નં. 14 માં જ અંદાજે 20.82 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ તેમજ 21.07 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટને વધુ હરિયાળું બનાવવા અને ગ્રીન કવર વધારવા માટે મહાનગરપાલિકા દ્વારા 18.88 લાખના ખર્ચે ‘અર્બન ગ્રીનિંગ પોલીસી’ તૈયાર કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. પરંતુ તેને વધુ અભ્યાસાર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 04 માં વિવિધ સ્થળોએ 2.99 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખવા તેમજ રેસકોર્સ રીંગરોડ પર 2.30 કરોડના ખર્ચે ડેકોરેટિવ લાઇટિંગ (જઈંઝઈ)ની કામગીરી કરવાની દરખાસ્તને પણ પેન્ડિંગ રખાઈ છે. સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ સ્માર્ટ સિટી મિશન અને જઇખ 2.0 અંતર્ગત વિવિધ વોર્ડમાં 1.40 કરોડના ખર્ચે જાહેર શૌચાલયોનું નિર્માણ થશે. આ બેઠકમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના દ્વિ-વાર્ષિક મેન્ટેનન્સ અને વિવિધ વોર્ડમાં સી.સી. રોડ તથા મેટલિંગ કામોને પણ મંજૂરી આપી વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. કાલાવડ રોડ અને પેડક રોડ સ્થિત સ્નાનાગાર (સ્વિમિંગ પુલ) પરિસર પાસે આવેલા જિમ્નેશિયમનું સંચાલન આગામી 5 વર્ષ માટે સોંપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જો કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે અને હવે આ કામ માટે ફરીથી રી-ટેન્ડર બહાર પાડવામાં આવશે.
- Advertisement -
રોહીદાસપરા, ચામડિયાપરા, ગણેશનગરમાં 3.15 કરોડના ખર્ચે સીસી રોડ બનશે
પાંજરાપોળ તથા રામનાથ મંદિર તરફ જવાના રસ્તે 1 કરોડના ખર્ચે સ્લેબ કલ્વર્ટ
વોર્ડ નં-2માં મેશનરી આર્ચ બ્રિજ દૂર કરી આરસીસી કલ્વર્ટ બનશે
મનપા સંચાલિત વિવિધ જીમ માટે 20.83 લાખના ખર્ચે સાધનો ખરીદાશે
3.10 કરોડના ખર્ચે સોરઠીયાવાડી ગાર્ડનને નવું બનાવાશે
જુના રાજકોટના વોર્ડ નં.14માં આવેલા, ઉનાળામાં ફુવારા સાથે લોકોના પ્રિય સ્થળ એવા સોરઠીયાવાડીના વિશાળ ગાર્ડનનું મીની રેસકોર્સ જેવું આધુનિક ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આવતીકાલે મળનારી સ્ટે.કમીટીની મીટીંગમાં 3.10 કરોડના ખર્ચે આ ગાર્ડનનું સંપૂર્ણ નવીનીકરણ કરવાની દરખાસ્ત કમિશનરે મોકલી છે. આ ગાર્ડનનું રીનોવેશન કરવા રી- ટેન્ડર કરવામાં આવતા ત્રણ એજન્સીએ ભાવ આપ્યા હતા જેમાં ચિત્રા ક્ધસ્ટ્રક્શન કંપનીના ભાવ 0.88 ટકા ડાઉન આવ્યા હતા જે મંજૂર કરવા દરખાસ્ત આવી છે. વોક-વે, બાલક્રિડાંગણના સાધનો, ગઝેબો, બેસવાની સગવડતા, ગ્રીનરી સહિતનો આ નવો ગાર્ડન બનાવવામાં આવશે.
પશુઓ માટે 20.94 કરોડના ખર્ચે હાઈટેક એનિમલ હોસ્ટેલ
શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના વ્યવસ્થિત અને કાયમી ઉકેલ તેમજ તેમની યોગ્ય જાળવણી માટે વોર્ડ નં. 04 ના સોખડા સર્વે નં. 109 માં 20.94 કરોડના જંગી ખર્ચે આધુનિક ‘એનિમલ હોસ્ટેલ’ નું નિર્માણ કરવામાં આવશે. આ એનિમલ હોસ્ટેલ અંદાજે 20,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આકાર લેશે. પશુઓની સુવિધા માટે અહીં 12 મોટા શેડ બનાવવામાં આવશે. આ હોસ્ટેલમાં એકસાથે 325 જેટલા પશુઓને રાખવાની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી શકે.



