રાજકોટની દીકરી તરીકે આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવું મારા માટે ગૌરવની બાબત છે: પલ્લવીબેન આચાર્ય
આંતરરાષ્ટ્રીય વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવા ગઠબંધન; ઉદ્યોગકારોને વૈશ્ર્વિક બજારો સાથે જોડવાનો સંકલ્પ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે નવી તકો ઉપલબ્ધ કરાવવા અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓળખ અપાવવાના હેતુથી સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય સમારોહમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો, વેપારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર જનરલ એમ. જે. પૂરીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગકારોના વિકાસ માટે કરવામાં આવતું કાર્ય અત્યંત પ્રભાવશાળી અને પ્રશંસનીય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું આ ગઠબંધન પ્રદેશના ઉદ્યોગકારોને વૈશ્વિક વેપાર ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ઉદ્યોગકારો વિશ્વના વિકસિત દેશો સાથે સ્પર્ધા કરી શકે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રયાસ રહેશે. એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એડવાઇઝરી બોર્ડના સભ્ય પલ્લવીબેન આચાર્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટની દીકરી તરીકે આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવું તેમના માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારોમાં રહેલી પ્રતિભા અને કુશળતાને વૈશ્વિક પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની તક મળવી એ તેમના માટે વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા સમાન છે. સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલિન ઝવેરીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ એમઓયુ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો માટે સોનાનો સૂરજ સમાન છે. તેમણે જણાવ્યું કે વિશ્વમાં ચીન, જાપાન, જર્મની અને અમેરિકા જેવી અર્થવ્યવસ્થાઓ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો પણ વૈશ્વિક બજારમાં પોતાની મજબૂત હાજરી નોંધાવે તે જરૂરી છે. આ ગઠબંધનથી પ્રદેશની પ્રોડક્ટ્સની નિકાસમાં વધારો થશે, વિદેશી ચલણ દેશમાં આવશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મહામંત્રી સંજય લઠિયાએ સ્વાગત પ્રવચન આપી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આર.જે. અજયસિંહ ચુડાસમાએ આભારવિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નામદેવ પંડ્યાએ કર્યું હતું. સમારોહ બાદ મહેમાનોના સ્વાગતાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની જાણીતી ગાયિકા વિધિ ઉપાધ્યાય અને વિજય રાણીંગાએ સંગીતની મનમોહક રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં રફીક મીરે કીબોર્ડ પર, સૌરભ ગઢવીએ ઓક્ટોપેડ પર અને અબ્દુલ મીરે તબલા પર સંગત આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નલિન ઝવેરીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી સંજય લઠિયા, રાજેશ રાણપરિયા, જિતેન ઘેટિયા, આશિષ પટેલ, નલિન આસોડિયા, મહેશ સોનપાલ, જે. એન. પરમાર, ધવલ મહેતા, બી. કે. શાહ, પ્રકાશ ઠક્કર, રિતેશ પાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અંતમાં ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિચિન્હ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉદ્યોગ, વેપાર અને આંતરરાષ્ટ્રીય સહયોગના નવા અધ્યાયની શરૂઆત તરીકે યાદગાર બની રહ્યો હતો.



