ફૂલછાબ ચોકથી લઈ મોટી ટાંકી ચોક સુધીના વિસ્તારમાં નોનવેજ લારીઓ-દુકાનોનો આતંક
જાહેરમાં વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતાં શોરમા-કબાબ સેન્ટરો સામે સનાતનીઓમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ફૂલછાબ ચોકથી લઈ મોટી ટાંકી ચોક સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારથી મોડી રાત્રિના સમયે નોનવેજ ફૂડ સેન્ટરો, શવર્મા કાઉન્ટરો અને કબાબની લારી-દુકાનો બેફામ રીતે ધમધમી રહી છે. ખાસ કરીને જાહેર રોડરસ્તા વચ્ચે ખુલ્લેઆમ ધમધમતા આવા ધંધાઓને કારણે સનાતનીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ રસ્તા પરથી પસાર થતા જાહેરમાં લટકાતાં માંસ-મટન રાહદારીઓના આંખ-નાકને અકળાવે છે. હિંદુ સનાતની પરિવારોને આ રસ્તે નીકળવું મુશ્કેલ બન્યું છે.
ફૂલછાબ ચોક અને મોટી ટાંકી ચોક વિસ્તારમાં દિનભર અને મોડી રાત સુધી કોલસાની ભઠ્ઠીઓ સળગતી રહે છે, રસ્તા પર લોકોના ટોળા જામે છે, વાહનો આડેધડ પાર્ક થાય છે ગંદકીનાં ઢગલાં સર્જાય છે. છતાં જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા નોનવેજ ફૂડ પોઇન્ટ્સ પર સ્વચ્છતાના કોઈ નિયમોનું પાલન થતું નથી. ખુલ્લામાં માંસ-મટન લટકાવવામાં આવે છે, ગરમી અને ધુમાડા વચ્ચે ખાદ્ય વસ્તુઓ તૈયાર થાય છે અને હાઇજિનના ધોરણોનો ખુલ્લેઆમ ભંગ થાય છે. અનેક સ્થળોએ તો ફૂડ લાઇસન્સ, ફાયર સેફ્ટી અને હેલ્થ ચેકિંગ જેવી જરૂરી વ્યવસ્થાઓ પણ પ્રશ્ર્નચિહ્ન હેઠળ છે. વળી નોનવેજ આઈટમ જાહેરમાં લટકાવી માંસ-મટન માર્કેટ જેવો માહોલ ઊભો કરવામાં આવે છે.
આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ અને ફૂટપાથ પર ગ્રાહકોના વાહનો આડેધડ પાર્ક થાય છે. દ્વિચક્રી વાહનો રોડ પર જ ઉભા રાખી દેવાતા હોવાથી ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે અડચણ ઉભી થાય છે. નોનવેજની આ લારી-દુકાનોમાં યુવકોના ટોળાં એકઠાં થતાં ત્યાંથી પસાર થતી મહિલાઓ અને તેમના પરિવારો માટે અસુરક્ષાની લાગણી પણ ઊભી થઈ રહી છે. રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે, જ્યારે ધુમાડો અને દુર્ગંધથી આસપાસના સ્થાનિકો ત્રસ્ત બની ગયા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મહાનગરપાલિકાની ફૂડ શાખા, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ અને કડક કાર્યવાહી થવી જોઈએ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. પ્રશ્ર્ન એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે ફૂડ પોઇઝનિંગની ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શહેરમાં સ્વચ્છતા અને સ્માર્ટ સિટીનું ગાન ગાતા તેમજ મહાદેવ અને શક્તિના ઉપાસક શાસકો માટે આ દૃશ્યો શરમજનક કહી શકાય. સ્થાનિકોની લાગણી અને સનાતનીઓની આસ્થાને ધ્યાને લઇ તાત્કાલિક ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગંભીર ન્યુસન્સનું કેન્દ્ર બની ગયેલી આ નોનવેજ લારી-દુકાનો પર કડક કાર્યવાહી કરવી અનિવાર્ય બની જાય છે.



