સ્લોડાઉનનો સામનો કરતા બિલ્ડરોને ઇરાન યુધ્ધની મોટી અસર
પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાનું મુશ્કેલ હોવાથી નિયમોમાં છુટછાટ માગતું ક્રેડાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન યુધ્ધ વખતથી પેટ્રોલીયમથી માંડીને અનેકવિધ સપ્લાય પ્રભાવિત હોવાના કારણોસર વિવિધ ચીજોમાં ભાવવધારો છે. પરિણામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બાંધકામ 25 ટકા મોંઘુ થઇ થવાથી બિલ્ડરોની માઠી દશા સર્જાઇ છે. નવા પ્રોજેક્ટો વ્યવહારૂ બની શકે તેમ નથી. નફામાર્જીનમાં મોટો માર છે. પરિણામે પ્રોજેક્ટો ધીમા પાડી દેવામાં આવ્યાના નિર્દેશ છે. ફેબ્રુઆરી મહિનાના અંતે અમેરિકા-ઇઝરાયેલે ઇરાન પર આક્રમણ શરુ કર્યું હતું. 40 દિવસ યુધ્ધ લડાયા બાદ સીઝફાયર જાહેર થવા છતાં હજુ કાયમી સમાધાન થયું નથી. તણાવ યથાવત છે. દરિયાઇ પરિવહન માટે અગત્યનું હોર્મુઝ સ્ટ્રેટ હજુ ખુલી શક્યું નથી પરિણામે સપ્લાય નોર્મલ થવાનું શક્ય બન્યું ન હતું. આ સ્થિતિમાં વિવિધ ચીજોના ભાવો ઉંચા જ છે.
રીયલ એસ્ટેટ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે સિમેન્ટ, ટાઇલ્સ, ઇલેક્ટ્રીક સહિતની ચીજો મોંઘી થવાની સાથોસાથ માલની પણ અછત છે. આ ઉપરાંત ગેસની તંગીથી ઉચાળા ભરી ગયેલા શ્રમિકો પાછા આવ્યા ન હોવાથી કામદારોની પણ તંગી છે. આમ જુદા-જુદા પરિબળોથી બાંધકામ ખર્ચમાં 25 ટકાનો વધારો થયો છે. જાણીતા બિલ્ડરોના કહેવા પ્રમાણે ઉર્જા-પેટ્રોલીયમ કિંમત વધવાની સાથોસાથ ટાઇલ્સ, એલ્યુમીનીયમ, કાચ વગેરે મોંઘા થયા છે. સમયસર સપ્લાય-માલની ડીલીવરી પડકારરૂપ છે. કામદારોની અછતને કારણે શ્રમિકો પાછળનો ખર્ચ વધી ગયો છે. નાના બિલ્ડરોથી માંડીને મોટી રીયલ એસ્ટેટ કંપનીઓ પણ સમાન સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિમાં સુધારો ન થાય તો ગ્રાહક વર્ગ પર બોજો આવ્યા વિના રહેશે નહીં.
નિષ્ણાંતો, જો કે, એવો પણ દાવો કરી રહ્યા છે કે આફત અવસરમાં પણ પલ્ટી શકે છે અને કદાચ પ્રવર્તમાન હાલત સમગ્ર રીયલ એસ્ટેટ ઉદ્યોગ માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. બિલ્ડરો હવે ભવિષ્યના પડકારો આધારિત નવી સ્ટ્રેટેજી અપનાવી શકે છે. પ્રવર્તમાન સ્થિતિમાં તો સંખ્યાબંધ પ્રોજેક્ટો સમયસર પૂર્ણ કરવાનું મુશ્કેલ અને પડકારજનક બન્યું છે.
કારણ કે બાંધકામ સહિતના ઉંચા ખર્ચને કારણે માર્જીન પર જોખમ ઉભું થયું છે અને એટલે સંખ્યાબંધ પ્રોજેક્ટો ધીમા પાડી દેવામાં આવ્યા છે. બાંધકામ ખર્ચમાં 25 ટકાનો વધારો ઘણો મોટો હોય અને પચાવવાનું અશક્ય હોય છે.
ક્રેડાઇના પ્રમુખ શેખર પટેલે એમ કહ્યું કે રીયલ એસ્ટેટ ઉદ્યોગ ઘણા અંશે સંગઠીત થઇ ગયો છે અને પડકારોનો સામનો કરવા સક્ષમ છે છતાં વર્તમાન પરિસ્થિતિમાં કાચા માલમાં ભાવવધારો જ માત્ર સમસ્યા નથી પણ સપ્લાયની મુશ્કેલી વધુ તકલીફકારક છે. અનેક ચીજો ઉંચાભાવ દેવા છતાં મળવી મુશ્કેલ છે. આ કારણોસર પ્રોજેક્ટ સમયસર કરવા મુશ્કેલ છે. ઉંચો ખર્ચ, સપ્લાય મુશ્કેલ અને સમય મર્યાદા આ ત્રણ બાબતોમાં બિલ્ડરોની હાલત કફોડી બની છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા કાયદો અમલમાં છે અને તે મુજબ બિલ્ડરોએ સમય મર્યાદામાં પ્રોજેક્ટ પુરા કરવાનું ફરજીયાત હોય છે. આ મામલે ક્રેડાઇ દ્વારા આવાસ મંત્રાલયનો સંપર્ક કરીને છુટછાટ માંગી છે જેથી બિલ્ડરો અને ગ્રાહકો બંનેને રાહત થઇ શકે. કાચા માલનો ભાવવધારો-હાઇટ સપ્લાયની સાથોસાથ શ્રમિકોની અછત પણ પડકારજનક છે. રાંધણ ગેસ વિશે અફવા તથા ચૂંટણી વખતે વતન ગયેલા શ્રમિકો પાછા આવ્યા નથી. સમગ્ર પ્રોજેકટોમાં 5 થી 6 ટકાનો બોજ અંદાજાય છે. વર્તમાન પરિસ્થિતિ 6-12 મહિના ચાલુ રહી તે માત્ર કોઇ એક ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર પર પ્રત્યાઘાત પડી શકે છે.



