આયોજન વગરના વિકાસથી જનતા પરેશાન: રેલવે સ્ટેશન માર્ગે લોકોએ હંગામો કરતા રસ્તો ખુલ્લો કરાયો, પાલિકા સદસ્યની હાજરીમાં તંત્ર સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
હળવદ શહેરમાં હાલ વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરની ગંભીર અણઆવડત અને તંત્રના શૂન્ય આયોજનના કારણે સમગ્ર શહેરની બજારોમાં ઠેકઠેકાણે આડેધડ રોડ ખોદી નાખવામાં આવ્યા છે. આ ખોદકામને લીધે સ્થાનિક વેપારીઓ અને શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે લગ્નની સીઝન ચાલતી હોય, બજારોમાં ખરીદી માટે આવતા લોકો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા રહે છે. શહેરના મુખ્ય માર્ગો પર ધૂળની ડમરીઓ અને ખાડાઓને કારણે દૈનિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શુક્રવારે રાત્રે સ્થિતિ વધુ વણસી હતી, જ્યારે જૈન સ્વીટ અને સરા નાકા પાસે ખોદકામને લીધે સર્જાયેલી અંધાધૂંધી જોઈ એક જાગૃત નાગરિકે રાત્રે 11 વાગ્યે તંત્ર સામે બથરાટી બોલાવી હતી. આ સમયે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ઉગ્ર રજૂઆતો બાદ તરત જ રેલવે સ્ટેશન તરફ જતો માર્ગ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ સમયે પાલિકાના સભ્ય ત્યાં હાજર હતા, પરંતુ તેઓ સમગ્ર મામલે મૌન ધારણ કરીને ઉભા રહ્યા હતા, જેનાથી લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. હળવદના લોકોનો આક્ષેપ છે કે અમુક રાજનેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર વિકાસના કામોની પોસ્ટ મૂકીને હલકી પ્રશંસા મેળવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સમસ્યાઓ હલ કરવામાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. એક તરફ રોડનું કામ ચાલુ છે, ત્યાં બીજી તરફ ભોજનશાળા પાસે વધુ માર્ગ ખોદી નાખવામાં આવતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. હળવદની જનતાએ હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “માત્ર ફોટો અને લાઈકથી કામ નહીં ચાલે, અમને તાત્કાલિક યોગ્ય અને આયોજનબદ્ધ વિકાસ જોઈએ.” વેપારીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે માર્ગો વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.



