શ્યામ રંગની ઢીંગલી પર ચીનથી લઈ વિશ્વભરમાં હોબાળો
સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા ફોટો/વીડિયો સામે આવે છે જેના પર લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે અને વિવાદ વધે છે. આવો જ એક મામલો ચીનમાંથી પણ સામે આવ્યો છે. ચીનમાં સોશિયલ મીડિયા પર એક નાની એવી શ્યામ રંગની ઢીંગલી ખૂબ વાયરલ થઈ રહી છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ નાની ઢીંગલીનું નામ ‘નતાશા’ રાખવામાં આવ્યું છે અને તેના ફોટોસ/વીડિયો અત્યારે દુનિયાભરમાં ટ્રેન્ડ થઈ રહ્યા છે.
- Advertisement -
હાલ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે, જે ‘નતાશા ડોલ’ (Natasha Doll) તરીકે ઓળખાય છે. આ ટ્રેન્ડમાં લોકો કાળી ત્વચા ધરાવતી ઢીંગલીઓને મારપીટ કરતા અથવા તેની સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડને કારણે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો બનાવનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આને ‘નસ્લવાદી’ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ પ્રકારની સામગ્રી બાળકો પર ખરાબ અસર કરી શકે છે.
નતાશા ડોલ એક બાળકના કદનું સ્ક્વીઝ ટોય છે, જે સ્લો-રાઇઝિંગ મેમરી ફોમ અથવા સોફ્ટ થર્મોપ્લાસ્ટિક રબરથી બનેલું છે. આ રમકડાનો રંગ અત્યારે ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે, કારણ કે રમકડાની ત્વચાનો રંગ આછો કાળો એટલે કે શ્યામ છે, જેને જોયા પછી વંશીય શારીરિક દેખાવને અતિશયોક્તિભર્યા સ્વરૂપે રજૂ કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ વ્યૂઝ મેળવવા માટે નતાશાના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરવા લાગ્યા છે. કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટ્રેસ રિલીફ (માનસિક તણાવ મુક્તિ)ના નામે આ ડોલ્સ સાથે એવી હરકતો કરવામાં આવી રહી છે, જે ખરેખર વિચલિત કરનારી લાગે છે. જેના વીડિયો પર લોકોએ ભારે વાંધો ઉઠાવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
- Advertisement -
એક નાના બાળકના કદના ‘સ્ક્વીઝ ટોય’ (દબાવી શકાય તેવું રમકડું)ના ફોટો/વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ડોલની બનાવટ બિલકુલ નાના બાળક જેવી છે, જેનો ઉપયોગ સ્ટ્રેસ રિલીફ રમકડા તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ઢીંગલી સાથે સ્ટ્રેસ રિલીફના નામે જે પ્રકારની હરકતો કરવામાં આવી રહી છે તેનાથી લોકો ચિંતિત બન્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો તેમાં સોય ભોંકી રહ્યા છે અને તેને ચપ્પુથી કાપી રહ્યા છે. નતાશા ડોલ સાથે જોડાયેલા વીડિયો સામે આવ્યા કે તરત જ કેટલાક લોકોએ દાવો કર્યો કે શ્યામ રંગના બાળક જેવા દેખાતા આ રમકડાને ઓનલાઈન મનોરંજનના નામે પ્રતાડિત કરવામાં આવી રહ્યું છે અને લોકો તેને ફટકારી રહ્યા છે તેમજ ખેંચી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર સખત વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ પ્રકારની હરકતો વંશીય હિંસાને પ્રોત્સાહન આપી રહી છે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક ચીની વ્લોગરે મજાકમાં સ્ટ્રેસ-રિલીફ રમકડાને પોતાની દીકરીની જેમ વ્હાલ કર્યું અને તેનું નામ ‘નતાશા’ રાખ્યું. એક દિવસ અકસ્માતે નતાશા ડોલ તેના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ અને તેનો આકાર બગડી ગયો જેના પછી તે વાયરલ થઈ ગઈ. થોડા સમયની અંદર જ નતાશા ડોલ સંબંધિત અનેક વીડિયો ઇન્ટરનેટ પર પૂરની જેમ વહેવા લાગ્યા. આ વીડિયોએ વૈશ્વિક સ્તરે મનોરંજનની મર્યાદાઓ બાબતે એક નવી ચર્ચા છેડી દીધી છે. વિવાદ વધતાં નતાશા સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ્સમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ વીડિયો કિ્લપ્સે જાતિવાદ અને ઓનલાઈન મનોરંજનની મર્યાદાઓ વિશે મોટી વૈશ્વિક ચર્ચા જગાવી છે.




