પીએમ મોદી જે સ્વાદને પસંદ કરે કે સ્થળની મુલાકાત લે તે રાતોરાત ‘ગ્લોબલ બ્રાન્ડ’ બની જાય છે
સોમનાથ મહાદેવના ‘અમૃત પર્વ’માં પીએમ નરેન્દ્ર મોદીના આગમનથી દિવાળી જેવો માહોલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ દેશના કોઈ વિસ્તારની મુલાકાત લે છે, ત્યારે તે માત્ર રાજકીય કે સત્તાવાર કાર્યક્રમ પૂરતો સીમિત રહેતો નથી. તેમની હાજરી સાથે સ્થાનિક સંસ્કૃતિ, ખાણીપીણી, પર્યટન અને પરંપરાઓ દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની જાય છે. વડાપ્રધાન જે સ્થળે જાય છે અથવા જે સ્થાનિક સ્વાદનો આસ્વાદ લે છે, તે સ્થળ અને ઉત્પાદનને રાતોરાત વૈશ્ર્વિક ઓળખ મળતી જોવા મળે છે. હવે સોમનાથ મહાદેવના ‘અમૃત પર્વ’ નિમિત્તે તેમની આગામી મુલાકાતને લઈને ફરી એકવાર ગુજરાત, ખાસ કરીને ગીરની વિશ્ર્વવિખ્યાત કેસર કેરી અને સોમનાથ તીર્થક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકવા તૈયાર બન્યા છે. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ રસ્તા પરથી સામાન્ય ગણાતી ‘ઝાલમુરી’ ખરીદી તેનો સ્વાદ માણ્યો હતો. આ ઘટના પછી સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઝાલમુરી અંગે સર્ચમાં ભારે વધારો નોંધાયો હતો. લોકો તેની બનાવટ, સ્વાદ અને ખાસિયતો જાણવા ઉત્સુક બન્યા હતા. ખાદ્યપદાર્થ ઉદ્યોગ સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓએ તો ઝાલમુરીને પેકેજ્ડ ફૂડ તરીકે બજારમાં ઉતારવાની દિશામાં પણ તૈયારી શરૂૂ કરી દીધી હતી. એક સામાન્ય સ્થાનિક નાસ્તાને રાષ્ટ્રીય ઓળખ અપાવવામાં વડાપ્રધાનની લોકપ્રિયતાનો કેટલો મોટો ફાળો હોઈ શકે તેનો આ જીવંત દાખલો માનવામાં આવે છે. તે જ રીતે જાન્યુઆરી 2024માં પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતે સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું હતું. દરિયાકિનારે સ્નોર્કલિંગ કરતી તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લક્ષદ્વીપ ટૂરિઝમ સર્ચ ટ્રેન્ડમાં ટોચ પર પહોંચી ગયું હતું. ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓએ પણ લક્ષદ્વીપ માટે સર્ચ અને બુકિંગમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. પરિણામે ત્યાંના સ્થાનિક રોજગાર, હોટલ અને પ્રવાસન ઉદ્યોગને સીધો ફાયદો થયો હતો. ગુજરાત માટે પણ આ વખતે ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા સોમનાથ મંદિરના પુન:નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને વર્ષ 1951માં ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થયું હતું. 11 મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેનદ્ર પ્રસાદના હસ્તે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. હવે આ ઐતિહાસિક ઘટનાને 75 વર્ષ પૂર્ણ થતા 11 મે, 2026ના રોજ ‘અમૃત પર્વ’ની ઉજવણી થવા જઈ રહી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્રમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. તંત્ર દ્વારા સુરક્ષા, સ્વાગત અને કાર્યક્રમોની ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પીએમ મોદીની આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ ગીરની વિશ્ર્વપ્રસિદ્ધ કેસર કેરી બની શકે છે. તેની અનોખી સુગંધ, સ્વાદ અને મીઠાશ માટે જાણીતી ગીરની કેસર કેરી પહેલેથી જ દેશ-વિદેશમાં લોકપ્રિય છે, પરંતુ વડાપ્રધાન દ્વારા તેનો આસ્વાદ લેવાયા બાદ તેની માંગમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતો માને છે કે આ ઘટનાથી ગીર વિસ્તારના કેરી ઉત્પાદક ખેડૂતોને વૈશ્ર્વિક ઓળખ મળશે તેમજ નિકાસમાં વધારો થવાથી તેમને સારા ભાવ પણ મળશે. સાથે જ કેસર કેરીના પલ્પ, જ્યુસ અને અન્ય વેલ્યુ એડિશન ઉત્પાદનોના ક્ષેત્રમાં નવા રોકાણોની શક્યતાઓ પણ વધી શકે છે. આ પહેલાં પણ પીએમ મોદીની મુલાકાતોએ અનેક સ્થળોના ભાગ્ય બદલી નાખ્યા છે. માર્ચ 2025માં તેમણે વિશ્ર્વ વન્યજીવન દિવસ નિમિત્તે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. ખુલ્લી જીપમાં સફારી દરમિયાન તેમણે એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા. તેમની આ મુલાકાત પછી સાસણ ગીરમાં દેશી-વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું નોંધાયું હતું. વિશ્ર્વભરમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ભારતના પ્રયાસોની ચર્ચા પણ તેજ બની હતી. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતો માત્ર વિકાસ પ્રોજેક્ટ કે રાજકીય કાર્યક્રમ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તે સ્થાનિક સંસ્કૃતિ, ખાણીપીણી, કૃષિ અને પ્રવાસનને વૈશ્ર્વિક ઓળખ આપવાનું શક્તિશાળી માધ્યમ બની રહી છે. હવે સોમનાથના ‘અમૃત પર્વ’ સાથે ગીરની કેસર કેરી અને સૌરાષ્ટ્રનું પર્યટન પણ વિશ્ર્વના નકશા પર વધુ તેજસ્વી બનશે.



