કઈઇએ 2 શખ્સોને દબોચ્યા : માતા-ભાઈ પર દબાણ કરી પણ વીડિયો બનાવડાવ્યો; મુખ્ય આરોપી યુટ્યુબર તરુણ બાંભણીયા ફરાર
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક હૃદયદ્રાવક અને ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક 26 વર્ષીય યુવકની પ્રેમ પ્રકરણના કારણે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) એ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મુખ્ય આરોપીઓ પૈકીના બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગતો મુજબ, બાઢડા ગામના રહેવાસી નીલેશ રમેશભાઈ ચુડાસમાને એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. થોડા સમય પહેલા નીલેશ આ પરિણીત મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મનદુ:ખ રાખીને મહિલાના પક્ષના શખ્સોએ નીલેશને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ નીલેશને શોધી કાઢી બાઢડાની વિરાણી હાઈસ્કૂલ પાસે પકડી લીધો હતો અને ત્યાં તેને લાકડીઓ તથા અન્ય હથિયારો વડે ઢોરમાર માર્યો હતો. આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. નીલેશને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ આરોપીઓએ તેને નીચે બેસાડી માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મૃતકની માતા અને ભાઈ પર પણ દબાણ લાવીને એક વીડિયો બનાવડાવ્યો હતો, જે પાછળથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગંભીર ઈજાઓના કારણે નીલેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ લાશને હાઈસ્કૂલની પાછળ ફેંકીને ફરાર થઈ ગયા હતા.
મૃતકના ભાઈ વિરલભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો દોડતો થયો હતો. પોલીસે યુટ્યુબર તરુણ બાંભણીયા (આહીર), વિજય નકુમ અને અમિત હડિયા સામે ગુનો દાખલ કર્યો હતો. અમરેલી કઈઇના પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપી વિજય નકુમ અને અમિત હડિયાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર યુટ્યુબર તરુણ બાંભણીયાને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. હાલ પકડાયેલા બંને આરોપીઓને સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે.



