ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીના ગાવડકા નજીક શનિવારના રોજ બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં બગસરાના એક જ પરિવારના માતા અને પુત્રએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને એસ.ટી. બસ વચ્ચેની ટક્કર બાદ કાર ભુક્કો થઈ ગયો હતો. અને પડીકું વળી ગઈ હોય તેવી હાલતમાં જોવા મળી હતી. આ ઘટનામાં 26 વર્ષીય યુવાન પુત્ર અને તેની 50 વર્ષીય માતાનું કરૂણ મોત થતા સમગ્ર બગસરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની વિગતવાર મહિતી મુજબ બગસરાના બંગલી ચોક વિસ્તારમાં સથવારાના ચોરા પાસે રહેતા અભય મુકેશભાઈ હીરપરા પોતાના પિતરાઈ ભાઈ હીતનું ધોરણ 9 નું પરિણામ લેવા માટે અમરેલી આવ્યા હતાં. અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતો અભય તેની માતા કલ્પનાબેન અને હીતને લઈને પોતાના મિત્રની કાર માંગીને અમરેલી પહોંચ્યા હતા. શનિવારે બપોરે અંદાજે 1 વાગ્યાની આસપાસ જયારે તેઓ પરિણામ લઈને બગસરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાવડકા ચોકડી પસાર કર્યા બાદ તુરંત જ સામેથી આવતી માંગરોળ-અમરેલી રૂટની એસ.ટી.બસ સાથે તેમની કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચલાવી રહેલા અભય હીરપરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત દોડી આવી. અમરેલી ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. બાદમાં બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ કારમાંથી માતા-પુત્રને બહાર કાઢવા માટે કારના પતરા ચીરવાની ફરજ પડી હતી. આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કલ્પનાબેનને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતું. આ અકસ્માતને પગલે અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રેફિક હળવો કરાવવાની કામગીરી એક તરફ પુત્રના સારા પરિણામની ખુશી હતી અને બીજી તરફ કાળનો પંજો આ પરિવાર પર ત્રાટક્યો જેના કારણે બગસરામાં રહેતા હીરપરા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.



