દરેક ચોગ્ગા-છગ્ગાએ ઘંટનાદ અને ડી.જે.ની ધમાલ વચ્ચે મીની સ્ટેડીયમ જેવો માહોલ
વિશાળ સ્ક્રીન ઉપર મેચ જોવા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતનાની હાજરી
- Advertisement -
ભવ્ય જીત બાદ ગુણવંતભાઈ ડેલાવાળાએ મીઠા મોઢા કરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપના ફાઈનલનો ઉત્સાહ ચરમસીમાએ હતો તો બીજી તરફ રાજકોટમાં પણ ક્રિકેટ રસિકોએ સરગમ કલબના સંગાથે હેમુ ગઢવી હોલમાં વિશાળ સ્ક્રીન ઉપર આખો મેચ નિહાળી સ્ટેડીયમ જેવી જ મજા લીધી હતી. આ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ પોતે ક્રિકેટ પ્રેમી છે અને તેમણે જબરું આયોજન કર્યું હતું. લગભગ 250 જેટલા ત્રિરંગા અને 10 જેટલા ઘંટ માહોલ બનાવવા માટે રાખ્યા હતા.સાથોસાથ ડી.જે.નું પણ આયોજન કર્યું હતું. જેમ ચોગ્ગા અને છગ્ગા લાગતા હતા તેમ તેમ ઘંટનાદ થતો હતો અને ડી.જે.ની ધમાલ બોલતી હતી. 45 બાય 14ની એલ.ઈ.ડી. ઉપર આ મેચ નિહાળવો એ મીની સ્ટેડીયમ જેવો અનુભવ કરાવતો હતો.
આ મેચ નિહાળવા માટે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી, દુબઈ નિવાસી પીયુષભાઇ પારેખ, તેજસભાઈ ભટ્ટી, મીતેનભાઈ મહેતા, નીલુબેન મહેતા, અલ્કાબેન ધામેલીયા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ ઉપરાંત સરગમ કલબના કમિટી મેમ્બર્સ અને ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ મેચમાં ભારતનો શાનદાર વિજય થતા જ સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને આખો હોલ ગાજી ઉઠ્યો હતો. ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને પેંડા ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યુ હતું.



