રાજકોટમાં સ્ક્રેપના ધંધામાં રોકાણના નામે 5 વેપારીને શિશામાં ઉતાર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સ્ક્રેપના ધંધામાં રોકાણની લાલચ આપી પતિ – પત્નીએ 2 ભાઈ સહિત 5 વેપારી સાથે 3.48 કરોડની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે ધંધામાં રોકાણ કરવાથી 8 થી 10 ટકાનું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપી હતી 5.26 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને તેમાંથી 1.78 કરોડ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો તે પછી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેથી વેપારીએ પોતાના જ નાના ભાઈના સાળા અને તેના પત્ની વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી પતિ -પત્નીને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.
રાજકોટના ટાગોર રોડ ઉપર અજીત એપાર્ટમેન્ટમાં રહેતા અને દાણાપીઠમાં રાયચુરા ટ્રેડ નામે પેઢી ધરાવી અનાજ કઠોળનો હોલસેલ વેપાર કરતા વેપારી ધનસુખભાઈ મોરારજીભાઈ રાયચુરા ઉ.50એ નાના ભાઈ મનહરભાઇના સાળા મવડી મેઇન રોડ પર ભકિતનંદન કોમ્પલેક્ષમાં શ્રી ગીરીરાજ વાસણ નામે દુકાન ધરાવતા પ્રિયંકભાઈ રમેશભાઈ કારીયા અને તેમના પત્ની તે જ કોમ્પલેક્ષમાં શ્રી દ્વારકાધીશ વાસણ નામે દુકાન ધરાવતા ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયા સામે ડીસીબી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રિયંકભાઇએ એપ્રીલ/2025 માં મને જણાવ્યુ હતુ કે, પોતાની પાસે સ્ક્રેપના ધંધાની લાઇન છે અને પોતાની પાસે હાલ રોકાણ કરવા પુરતા રૂપીયા નથી. સ્ક્રેપના બિઝનેસમાં માસીક 9 થી 10 ટકા વળતર આપવાની પણ વાત કરી હતી. જેથી 35 લાખનું રોકાણ કરાવ્યા બાદ 30 લાખ પરત ચૂકવ્યા હતા. જ્યારે ડિમ્પલબેનને 52 લાખ ચૂકવ્યા બાદ 10 લાખ પરત ચૂકવ્યા આવ્યા હતા. જેથી બંને પાસેથી 47 લાખ લેવાના બાકી છે. આ જ રીતે મોટા ભાઈ નવનીતભાઈ સાથે પણ આ જ રીતે છેતરપિંડી થઈ છે. જેથી તેમને પણ પ્રિયંકભાઈ અને ડિમ્પલબેન પાસેથી 1.08 કરોડ લેવાના બાકી છે આ સિવાય દંપતિએ હિરેનભાઈ ભરતભાઈ કોટકને 1.65 કરોડનું રોકાણ કરાવી 95 લાખ પરત આપ્યા છે અશ્વિનભાઈ દલસુખભાઈ બુધ્ધદેવ પાસે 30 લાખ અને અતુલભાઈ જમનાદાસભાઈ ઉનડકટ પાસે 93 લાખનું રોકાણ કરાવી એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો આમ 5 વેપારીઓને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી 3.48 કરોડનું બુચ મારી પતિ – પત્ની રફૂચક્કર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



