આવતીકાલે 8 માર્ચ મહિલા દિવસ
હીનાબેન, રિંકુબેન અને દિવ્યાબેને સાબિત કર્યું કે નારી શક્તિ ધારે તે કરી શકે, 2017ની ભરતી બાદ મહત્ત્વની જવાબદારી સંભાળતી મહિલા પોલીસ
- Advertisement -
8 વર્ષમાં અનેક ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા: સર્વેલન્સ સ્ટાફમાં હીનાબેન પરમારનો દબદબો: નવલગઢની દીકરીની સફળતા: વડોદરા અને સુરેન્દ્રનગર બાદ હવે ધ્રાંગધ્રામાં ફરજ, સામાન્ય પરિવારમાંથી આવી પોલીસ દળમાં મજબૂત ઓળખ બનાવી.
પિતાની છત્રછાયા ગુમાવી પણ માતાના પ્રોત્સાહને રિંકુબેન બાપોદરીયાને ‘ખાખી’ પહેરાવી: વહીવટી મોરચે મક્કમતા: રાજગઢ ગામની દીકરી હાલ ધ્રાંગધ્રા પોલીસ મથકમાં બારનીસી વિભાગનું સુકાન સંભાળી રહી છે, સરકારી હુકમો અને પત્રવ્યવહારમાં નિષ્ણાત.
ખેતી પર આધારિત પરિવારની દીકરી પોલીસમાં: દિવ્યાબેન પરમાર રાજસીતાપુરનું ગૌરવ: ખઘઇથી કઈંઇ સુધીનો અનુભવ: 2017ની ભરતીમાં પસંદગી બાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે જ પ્રથમ પોસ્ટિંગ, વિવિધ વિભાગોમાં નિપુણતા મેળવી સમાજ માટે બન્યા ઉદાહરણ.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ત્રણ મહિલાઓ આજે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે મહત્વની જવાબદારીઓ સંભાળી રહી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સમકક્ષ આગળ વધી રહી છે તેનો જીવતો જાગતો દાખલો આ ત્રણેય મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપી રહી છે. ખાસ કરીને 8 માર્ચના મહિલા દિવસની ઉજવણી વચ્ચે તેમની કામગીરી પ્રેરણાદાયક બની રહી છે. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામની હીનાબેન પરમાર સામાન્ય પરિવારમાંથી આવે છે. પરિવારના પ્રોત્સાહન અને પોતાના પરિશ્રમના બળે તેમણે વર્ષ 2017માં પોલીસ ભરતીમાં ભાગ લીધો હતો. પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી થયા બાદ તેમને પ્રથમ પોસ્ટિંગ વડોદરા સિટી ખાતે મળ્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવી હાલમાં તેઓ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે સર્વેલન્સ સ્ટાફમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. છેલ્લા આઠ વર્ષ દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ સાથે રહી અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે જ રીતે ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામની રિંકુબેન બાપોદરીયા નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા. તેમ છતાં તેમની માતાએ અભ્યાસ અને જીવનમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપ્યું હતું. વર્ષ 2017ની પોલીસ ભરતીમાં તેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદ થયા બાદ તેમને પ્રથમ પોસ્ટિંગ સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથક ખાતે મળ્યું હતું. અહીં તેઓએ બારનીસી વિભાગમાં મહત્વની ફરજ નિભાવી હતી. હાલ તેઓ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે બારનીસી વિભાગ સંભાળી રહ્યા છે અને પોલીસ મથકના સરકારી હુકમો, પરિપત્રો તેમજ પત્રવ્યવહારની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામની દિવ્યાબેન પરમાર ખેતી પર આધારિત પરિવારમાંથી આવે છે. પરિવારના સહકાર અને પ્રોત્સાહનથી તેઓએ વર્ષ 2017ની પોલીસ ભરતીમાં ભાગ લીધો હતો અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદ થયા હતા. તેમને પ્રથમ પોસ્ટિંગ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે મળ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ બારનીસી, એમ.ઓ.બી અને એલ.આઇ.બી સહિતની વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા આવ્યા છે. ત્રણેય મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલી સફળતા પાછળ પરિવારના પરિશ્રમ અને પ્રોત્સાહનને મહત્વનું સ્થાન આપે છે. મહિલા દિવસના અવસરે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતી આ ત્રણેય મહિલા શક્તિઓ ખરેખર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.



