અત્યાર સુધીમાં 5000 મિસાઈલ હુમલા, 1000થી વધુ લોકો માર્યા ગયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાના હુમલાની કડક નિંદા કરી છે. ઈરાને તેને સમુદ્રમાં બર્બરતા ગણાવી છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય નેવીના ગેસ્ટ શિપ તરીકે આશરે 130 ખલાસીઓને લઈ જતી ફ્રિગેટ દેના શિપને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ચેતવણી આપ્યા વિના નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.’ દરમિયાન, બુધવારે યુએસ કોંગ્રેસે ઈરાન સામે લશ્ર્કરી કાર્યવાહી અટકાવવાના ઠરાવને ફગાવી દીધો. પક્ષમાં 47 અને વિરોધમાં 53 મત પડ્યા. આનો અર્થ એ થયો કે ટ્રમ્પ હવે ઈરાન સામે લશ્ર્કરી કાર્યવાહી ચાલુ રાખી શકે છે. અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા એક ઇરાની યુદ્ધ જહાજ ઈંછઈંજ દેના પર શ્રીલંકા નજીક હુમલો કરીને તેને ડુબાડી દીધું છે. હુમલામાં અત્યાર સુધીમાં 87 ઇરાની નૌસૈનિકો માર્યા ગયા છે. આ માહિતી શ્રીલંકા સરકારે આપી છે.
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું કે હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીને ઈરાની જહાજને ટોર્પિડોથી નિશાન બનાવીને ડુબાડી દીધું. શ્રીલંકાની નેવીએ 32 ઘાયલ નૌસૈનિકોને બચાવીને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
જહાજ પર લગભગ 180 નૌસૈનિકો સવાર હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ ઈરાની યુદ્ધ જહાજ ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં આયોજિત 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું.
શ્રીલંકાના અધિકારીઓએ અલ જઝીરાને જણાવ્યું કે બુધવારે સવારે લગભગ 6 થી 7 વાગ્યાની વચ્ચે (ભારતીય સમય મુજબ) મદદ માટે મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ જહાજ દક્ષિણ શ્રીલંકાના ગાલે શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ (લગભગ 75 કિલોમીટર) દૂર હતું.
ડ્રોન ઘટના અંગે અઝરબૈજાને ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યું
અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના ક્ષેત્રમાં ડ્રોન દુર્ઘટના અંગે ઈરાની રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. અઝરબૈજાને માંગ કરી હતી કે ઈરાન તાત્કાલિક આ બાબતમાં સ્પષ્ટતા કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લે.
- Advertisement -
ઈરાને કહ્યું – હેતુ પૂરો ન થાય ત્યાં સુધી યુદ્ધ રોકશે નહીં
ઈરાનના જનરલ કિયુમર્સ હૈદરીએ કહ્યું છે કે ઈરાન પોતાના ઉદ્દેશ્ર્યો પૂરા ન થાય ત્યાં સુધી આ યુદ્ધ રોકશે નહીં. આ લડાઈ કેટલા દિવસ ચાલશે, તેનાથી ઈરાનને કોઈ ફરક પડતો નથી. તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, હૈદરીએ કહ્યું કે ઈરાન પહેલા પણ 8 વર્ષ લાંબી જંગ લડી ચૂક્યું છે, તેથી અમે આ લડાઈથી ડરવાના નથી. તેમણે કહ્યું કે આ યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ઈરાન તેના લક્ષ્યો હાંસલ કરી લેશે અને દુશ્ર્મનને તેના પગલાં પર પસ્તાવો કરવો પડશે.
ઈરાનમાં 120 કલાકથી ઈન્ટરનેટ બંધ
ઈરાનમાં ઈન્ટરનેટ બંધને હવે 120 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. સાયબર સુરક્ષા દેખરેખ સંસ્થા નેટબ્લોક્સના જણાવ્યા અનુસાર, દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ સામાન્ય સ્તરના લગભગ 1 ટકા જેટલો ઘટી ગયો છે. સંસ્થાએ જણાવ્યું હતું કે લગભગ સંપૂર્ણ ઈન્ટરનેટ બંધ થવાથી લોકો માટે માહિતી મેળવવાનું અને સંપર્ક જાળવવાનું અત્યંત મુશ્ર્કેલ બન્યું છે.



