પીઠડિયા ટોલ પ્લાઝા પાસે જખઈની કડક કાર્યવાહી: 25 હજારથી વધુ દારૂની બોટલો સાથે 5 શખ્સોની ધરપકડ
ચંદીગઢ અને પંજાબના દારૂના નેટવર્કનો પર્દાફાશ: લિસ્ટેડ બુટલેગર સહિત 3 શખ્સો વોન્ટેડ જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા પીઠડિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવીને એસએમસીની ટીમે ₹86.33 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને વાહનોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડાથી દારૂ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
જખઈના પીએસઆઈ એસ.વી. ગલચર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનોની તલાશી લેતા તેમાંથી ચંદીગઢ અને પંજાબ બનાવટની દારૂની કુલ 25,920 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે ₹51.90 લાખ થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે ₹32 લાખની કિંમતના બે વાહનો, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹86,33,620 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે સ્થળ પરથી રાજસ્થાન, હરિયાણા, કચ્છ અને રાજકોટના 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ગુનામાં ગાંધીધામનો લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ શેખાવત સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વની વાત એ છે કે, આ કેસમાં વીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સાથે નવી ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)-2023 ની કલમ 111 (સંગઠિત ગુનાખોરી) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તંત્ર હવે દારૂના નેટવર્ક સામે વધુ કડક વલણ અપનાવી રહ્યું છે.



