21 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા: 16 લાખની બચત છતાં મીતાનો સંસાર વિખેરાયો
અજય, એટલે કે મીતાનો પતિ સંપૂર્ણ પણે હતપ્રભ છે….”21 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા…!!” બીજું કોઈ હોય તો વરે 16 લાખની બચત કરેલી છે એ જાણીને ખુશ થાય…પણ આ બાઈ…! એ તો ફટકી બેઠી છે…!
બે છોડીનો બાપ હતો ગગન…પણ…એક છોકરો તો જોઈએ ને!! ડોસીએ ગામના હનુમાન મંદિરે એક ડબો તેલ ચડાવવાની માનતા ય માની હતી ને મનોમન બબડેલી , “કપાસીયાનું ચડાવી દેહું.. હડમાન જતી ને ક્યાં રાંધવું સ ?”
આ રસપ્રદ ગઘ્યાંશો દેવાંગી ભટ્ટ લિખિત વાર્તા સંગ્રહ ’સિલાઈ’ના છે. એક થી એક ચડિયાતી 35 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે ’સિલાઈ’. ટૂંકી વાર્તા એ અમેરિકામાં શરૂ થયેલું અને ભારતમાં રવીન્દ્રનાથ ટાગોર થકી શરૂ થયેલ એક લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. ગુજરાતમાં 20મી સદીની પચીસી બાદ આરંભાયેલ ટૂંકી વાર્તાઓ મનુષ્ય કે મનુષ્યેતર પાત્રો, લાગણીઓ, ઘટનાઓ કે પ્રસંગો વગેરેમાના એકાદ અંશનું સરળ આલેખન હોવા છતાં સમગ્રતાની છાપ ઉપસાવતું હોવાથી ખૂબ લોકપ્રિય બનેલ છે. શ્રી દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્ય જગતનું એક ઝળહળતું નામ છે જેણે, ’અસ્મિતા’,’વાસાંસિ જાણીને’, ’અશેષ’, ’સમાંતર’, ’કેસબુક ઓફ મિ. રાય’, ’ત્વમેવ ભર્તા ’,’ધર્મ રક્ષતિ’,’મહાભિનિષ્ક્રમણ’, પ્રથમા-પૂષા’,’એક હતી ગુંજા’ વગેરે તેના નોંધપાત્ર સર્જનો છે. ’સિલાઈ’ એ સમયાંતરે લખાયેલ વાર્તાઓનો સંગ્રહ છે, પણ લેખીકાની રસાળ શૈલીથી એકસૂત્રતા જળવાયેલી લાગશે.
“પાત્રો આવે ને જાય એટલે કંઈ વાર્તા ન અટકે.”
તદ્દન અલગ અલગ સામાજિક સ્થિતિ અને મનોજગતમાં વસવાટ કરનારા પાત્રોની કથાઓ હોવા છતાં દરેક વાર્તા ખૂબ રોચક છે, જેમ કે વલ્લી માસી…. 52 વર્ષની એક વ્યંઢળ…જેણે આટલા વર્ષ માંગી માંગી અનુભવે એ શીખી લીધેલું કે કોણ કેવી રીતે પૈસા દેશે!! તે ઉઘરાણી વિસ્તારના તમામ ઘરમાં રહેતા તમામને જાણતા..એવું માનતા, વલ્લી માસી જે લાલાના વધામણાના 501 લેવાની મથામણમાં લાલીના 501 મેળવે છે!! તે અવાચક છે જીવનની એક તદ્દન અલગ બાજુ જોઈને…તો પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાનો ને નબળો નરુ છેલ્લા 28 વર્ષોથી હજારોવાર આવેલા “મા”ના ફોનથી કંટાળેલો છે. માનું આ વિશેષ વહાલ તેને સજા રૂપ લાગે છે. જે ’મા’ના મૃત્યુ બાદ સુના પડેલા ફોનથી કેવો ભાવ અનુભવો તે હજુ નક્કી પણ નથી કરી શક્યો ત્યાં તો….બાનો ફોન આવ્યો!! સમજુ માસી દ્વારા…!!
ફાંસીના માચડાની લગોલગ આવી ગયેલા પ્રતાપ ને જ્યારે પુછાય છે…’અંતિમ ઈચ્છા’ ભારત સરકારનો આંતરરાષ્ટ્રીય ગુપ્તચર…21 વર્ષની જુવાન જોધ ઉંમરે દુશ્મનના હાથે પકડાયેલ…..અસહ્ય યાતના સહન કર્યા છતાં મો ન ખોલીને વફાદારી સાબિત કરેલ એ વિશ્વાસે કે સરકારે પણ વફાદારી દાખવી હશે પોતાના કંગાળ પરિવાર સાથે….પણ હકીકતે તો….
ટૂંકી વાર્તાનો અર્થ એ કરાય છે કે એકી બેઠકે પૂરી કરી શકાય તેવી વાર્તા. પણ મેં તો આખો સંગ્રહ એકી બેઠકે પૂરો કરી લીધો!! કારણ…દરેક વાર્તા નરી રોચકતાથી ભરપૂર… મારું ચાલે તો આખે-આખી 35 વાર્તાઓ અહીં લખી કાઢું,પણ એ શક્ય નથી. શક્ય છે માત્ર ગમતાનો ગુલાલ કરી આપ સૌને વાર્તા સંગ્રહ ’સિલાઈ’ વાંચવાનો અનુરોધ કરું છું.
- Advertisement -
35 ટૂંકી વાર્તાઓનો ખજાનો: સામાજિક વિસંગતતાઓ અને મનોજગતનાં પાત્રોનું રસાળ આલેખન
આ પુસ્તક રાજકોટના નિચેના સ્થળોએ મળી રહેશે
1 રાજેશ બૂક સેન્ટર – રાજકોટ
ફોન નં : 99241 33519
- Advertisement -
2 પ્રવિણ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9265044262
3 નવયુગ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9879023703



