વસતિ ગણતરી માટે 5,000 કર્મચારીની જરૂરિયાત સામે 50 ટકા સ્ટાફની ઘટ
મનપા પ્રાઈવેટ સ્કૂલના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારે તેવી સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વસતિગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. વસતિગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. વસતિગણતરી એ માત્ર માથાની ગણતરી નથી, પરંતુ આગામી 10 વર્ષ માટેની સરકારી યોજનાઓ અને શહેરના વિકાસના રોડમેપ તૈયાર કરવા માટેનો પાયાનો ડેટા છે. તેથી, મનપાએ યુદ્ધના ધોરણે બાકીના 2,500 વ્યક્તિના સ્ટાફની વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ખાનગી સ્ટાફને કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે : પ્રણય પંચાલ, મનપાનાં ચૂંટણી અધિકારી
- Advertisement -
મનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ વસ્તી ગણતરી માટે ઘટતા સ્ટાફની પૂર્તિ કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી તમામ મહાનગરપાલિકાઓમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીઓ અને ઈૠજઝ જેવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જો આ તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત રહેશે, તો સેન્સસ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો અને ક્લાર્કની સેવાઓ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતી પ્રાથમિકતા સરકારી સ્ટાફને જ આપવામાં આવી રહી છે, પરંતુ જરૂર પડ્યે ખાનગી સ્ટાફની મદદ લેવા માટે ઉપરથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.



