કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે, પાણીના ઘોડા પાસે, ગોંડલ રોડ, સોમનાથ સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચના દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે બે દિવસમાં મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમવાના ત્રણ ગુના પકડી લઇ તેમજ વિદેશી દારૂના બે કેસ કરી કુલ 7 આરોપીઓને પકડી લીધા છે.
કોઠારીયા મેઇન રોડ નીલકંઠ સીનેમા પાસે ગેલેકસી પાન સામે મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતાં અલ્તાફ ઉર્ફે મામો રાણાભાઇ રાઉમા તથા ચીરાગ ઉર્ફે લાલો ભરતભાઇ પોપટને પકડી રોકડ મોબાઈલ ફોન મળી 26500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારની અલ્તાફને જૂગારની આઇડી ચિરાગે આપી હતી. આ બંને અગાઉ પણ જુગારમાં પકડાયા હતા.
અન્ય દરોડામાં પણ નિલકંઠ સિનેમા ગેલેકસી પાન પાસેથી તનજીમ રહીમભાઇ સાંધ (ઉ.વ.ર1-ધંધો જુના ઇમીટેશનના દાગીના લે વેચ કરવાનો રહે.દૂધ સાગર રોડ ભગવતી સોસાયટી શેરી નં.4)ને આઇડી પર જૂગાર રમતો પકડી લેવાયો હતો. તેની પાસેથી રોકડા રૂપીયા 1700 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા 16,700નો મુદામાલ કબ્જે કરાયો હતો. તેને આઈડી પરવેઝ નામના શખ્સે આપી હોઇ શોધખોળ થઇ રહી છે.
- Advertisement -
ત્રીજો દરોડો પેડક રોડ પાણીના ઘોડા પાસે ખોડીયાર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોર જલારામ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં પાડી રાજ પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.રર ધંધો. નોકરી રહે આર્યનગર શેરી નં.15 સંત કબીર રોડ)ને મોબાઇલ ફોનમાં માસ્ટર આઇડીમાં જુગાર રમતો પકડી લઇ રૂ. 2500 રોકડા અને મોબાઇલ ફોન મળી રૂ. 35500નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે વિદેશી દારૂના બે દરોડામાં કોઠારીયા રોડ સોમનાથ સોસાયટીમાં પરબ મોબાઇલની દુકાનમાં દરોડો પાડી મયુર ભુપતભાઇ સોજીત્રા (ઉ.વ.2, ધંધો- મોબાઇલની દુકાન રહે. કોઠારીયા રોડ, ગોવિંદ ગ્રીન સીટી, શેરી નં.-1)ને અલગ અલગ બ્રાન્ડના રૂ. 10,300ના દારૂ સાથે પકડી લેવાયો હતો. મયુરને આ દારૂ આપનાર આશિષ ઉર્ફ રાજ જીતેશભાઇ ઉર્ફ જીતુભાઇ સુચક (ઉ.23-રહે. સાઇબાબા સર્કલ પાસે આસોપાલવ એપાર્ટમેન્ટ પાછળ ઘનશ્યામનગર)ને પકડી લઇ તેની પાસેથી ટુવ્હીલર અને ફોન મળી સાંઇઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઉપરાંત રાજકોટ ગોંડલ હાઇવે શિવ હોટેલ પાસે સર્વિસ રોડ પરથી મથુર નાનજીભાઇ બાલધા (ઉ.વ.39, ધંધો- ફેન્સીંગ વાયરનું કારખાન, રહે. જયોતિનગરની અંદર ઘનશ્યામનગર ક્રિસ્ટલ મોલની બાજુમાં)ને રૂ.17,400ના સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કીની તથા મેજીક મોમેન્ટ વોડકા ઓરેન્જ ફલેવરની બોટલો સાથે પકડી લેવાયો હતો. મથુરને પણ દારૂ આશિષ ઉર્ફે રાજ જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇ સુચકે આપ્યાનું ખુલ્યું હતું.



