પ્રથમ નોરતે રાહુલ મહેતા અને પૂનમ ગોંડલિયાએ રાસની રમઝટ બોલાવતા ખેલૈયાઓનો ઉત્સાહ છલકાયો
ડો. ધનસુખભાઈ ભંડેરીના હસ્તે સતત ૨૬મી વખત રિબીન કાપી ઉદ્ઘાટન
- Advertisement -
મેયર ડો. નેહલ શુક્લના હસ્તે મંગલ પ્રારંભ અને પ્રથમ આરતી
આતુરતાપૂર્વક રાહ જોવાતી નવરાત્રીના આગમન સાથે સહિયર કલબ આયોજિત રાસોત્સવ ભક્તિ, પરંપરા અને રાસની રંગતથી ઝળહળી ઊઠ્યો હતો. આ રાસોત્સવનો પ્રારંભ માઁ જગદંબાની પૂજા-અર્ચના અને હવન યજ્ઞ સાથે
કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારની બે નાનકડી દીકરીઓ ધર્માંગીબા અને મોક્ષીકાબાના કુમકુમ પગલાં સહિયરના પટાંગણમાં કરાવી નવરાત્રીના મંગલમય પ્રારંભની પરંપરા નિભાવવામાં આવી હતી. સહિયર કલબના
વિશાળ પટાંગણમાં પ્રથમ નોરતાની સાંજથી જ ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાસોત્સવના પ્રારંભે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ માતાજીની આરાધના અને ગરબાની રમઝટથી ગુંજી ઊઠ્યું
હતું.
સહિયર રાસોત્સવના ઉદ્ઘાટનની પરંપરા સતત ૨૬મી વખત ડો. ધનસુખભાઈ ભંડેરીએ રિબીન કાપીને નિભાવી હતી. જ્યારે શહેરના મેયર ડો. નેહલ શુક્લના હસ્તે મંગલ પ્રારંભ અને પ્રથમ આરતી કરવામાં આવી હતી. પ્રથમ
આરતીનો લહાવો તેજસ શિશાંગીયા અને પૂનમ ગોંડલિયાએ લીધો હતો. ધાર્મિક વિધિ અને મંગલ આરતી બાદ રાસોત્સવની રંગત શરૂ થતાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા. પ્રથમ નોરતે જ સહિયરના વિશાળ
પટાંગણને ખેલૈયાઓથી ભરેલું જોઈ આયોજકો ભાવવિભોર બન્યા હતા. ખેલૈયાઓએ દર્શાવેલા ઉત્સાહ અને પ્રેમ બદલ આયોજકોએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસથી જ મળેલા આ પ્રતિસાદે
આગામી દિવસોમાં પણ રાસોત્સવમાં ઉત્સાહભર્યું વાતાવરણ રહેવાની આશા જગાવી હતી.
- Advertisement -
રાહુલ મહેતા અને પૂનમ ગોંડલિયાએ જમાવી રંગત
રાસોત્સવના પ્રથમ નોરતે સંગીત અને ગરબાની રંગત જમાવવા ગરબા કિંગ રાહુલ મહેતા તથા લોકગાયિકા પૂનમ ગોંડલિયાએ પોતાની પ્રસ્તુતિઓથી ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. રાસના પ્રથમ દોરમાં રાહુલ મહેતાએ
ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે બીજા દોરમાં પૂનમ ગોંડલિયાના ગીતોએ માહોલને વધુ રંગીન બનાવ્યો હતો. રાહુલ મહેતાની પ્રસ્તુતિ બાદ ફાઇનલ ફ્યુઝન રાસ સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો. અંતે રાષ્ટ્રગાન સમાન
દેશભક્તિની લાગણી જગાવતા ‘વંદે માતરમ્’ સાથે પ્રથમ નોરતાના રાસોત્સવને અલ્પવિરામ આપવામાં આવ્યો હતો.
રક્તદાન જાગૃતિનો સંદેશ પણ ગુંજ્યો
નવરાત્રીના ઉત્સવ વચ્ચે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા બાઈક પર પ્રવાસે નીકળેલા ડો. મનીષ અને તેમની ટીમે રાસોત્સવના મંચ પરથી રક્તદાનનું
મહત્ત્વ સમજાવતો સંદેશ આપ્યો હતો. આમ, સહિયર કલબના પ્રથમ નોરતાના આયોજનમાં ધાર્મિક આસ્થા અને મનોરંજનની સાથે સામાજિક જાગૃતિને પણ સ્થાન મળ્યું હતું.
વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયાં
રાસોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણમાં એલસીબીના પી.એસ.આઈ. પી.ડી.એફ. ઝાલા પરિવાર, ક્રિનાબા ઝાલા,
જયેશ્વરીબા જાડેજા, રવિભાઈ આડેસરા, દિવ્યરાજસિંહજી જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, ચેતનસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, ક્રિષ્નાપાલસિંહ રાણા, પંકજભાઈ જૈન (અર્હમ સારીઝ), જેસીંગ મુંધવા, મિહીરભાઈ
દવે, નિખિલ ગોહેલ, અનિરૂદ્ધસિંહ જાડેજા, ધર્મેશી ગોહેલ, હર્ષ ધામેચા, અમિત પરમાર અને જતિનભાઈ બગડાઈ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો અર્પણ કર્યાં હતાં. આ ઉપરાંત અર્હમ સારીઝના
પંકજભાઈ જૈન દ્વારા લોકગાયિકા પૂનમ ગોંડલિયાને બેસ્ટ પરફોર્મર તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસના વિજેતા:
પ્રિન્સ સીનીયર
રાદુહ દોગા
કુનાલ ભારદીયા
મોહિત મકવાણા
નયન ઠકકર
વેલડ્રેસ : જીતેશ ડોડીયા
પ્રિન્સેસ
ખુશી ગોહેલ
ધ્રુવી ગરાચ
હિના જરીયા
આરતી ચૌહાણ
વેલડ્રેસ : કૃપા જોબનપુત્રા
જુનીયર વિજેતા
આશિષ કુકાવા
વિકવ સોરઠીયા
કરન સારીયા
વેલડ્રેસ : હિતાર્થ જોબનપુત્રા
જુનીયર વિજેતા
પ્રિયાંશી ડાંગર
ક્રિપા મકવાણા
ક્રિષ્ના કાકડીયા
વેલડ્રેસ : તન્વી સોલંકી




