રેસકોર્સમાં સપ્તરંગી પતંગો સાથે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ
ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સિંગાપોર અને યુકે સહિત 21 દેશોના 135 પતંગબાજોએ રાજકોટના આકાશમાં પેચ લડાવ્યા
- Advertisement -
રાજકોટના આંગણે આજે વિશ્વભરના પતંગબાજોનો સંગમ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મેયર નયનાબેન પેઢડીયા સહિતના મહાનુભાવોએ આ ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો.આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન અને યુનાઈટેડ કિંગડમ સહિત કુલ 21 દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી 135 થી વધુ નિષ્ણાત પતંગબાજોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય મહેમાનોએ જ્યારે આકાશમાં અવનવા આકારના પતંગો ચગાવ્યા ત્યારે રાજકોટનું આકાશ સપ્તરંગી બની ગયું હતું. મેયર નયનાબેન પેઢડીયાએ પક્ષીઓના રક્ષણ માટે સવાર-સાંજ પતંગ ન ચગાવવા અને ચાઈનીઝ દોરીનો ત્યાગ કરવા નમ્ર અપીલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત નૃત્યો દ્વારા વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પતંગબાજો પણ મન મૂકીને ઝૂમ્યા હતા.



