રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ સહિત વાઈરલ રોગોનાં દર્દીઓમાં ધરખમ વધારો
ડેંગ્યુના કેસોના ટ્રેન્ડ જોતા હજુ ઓક્ટોબર અંત સુધીમાં કેસોમાં વધારો થવાનું જોખમ છે
એક અંદાજ મુજબ શહેરમાં રોજ 1000થી વધુ લોકો વાયરલ તાવની ઝપટે ચડી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચોમાસાની વિદાય બાદ થયેલી ગંદકી અને કચરાને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. પરિણામે ડેંન્યુ-મેલેરીયા જેવા ગંભીર રોગ સિવાય લોકોમાં વાયરલ ગળામાં ઇન્ફેકશન થઈ તાવ, શરદી, ઉધરસ જેવી બિમારીઓનો રોગચાળો ફેલાયો છે. શહેરમાં તાવ-શરદી-ઉધરસનો રોગચાળો બેકાબૂ બન્યો છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ નવરાત્રીના ઉત્સવો ઉજવવામાં સફળ સાબિત છે પરંતુ રોગચાળો વકરતા અટકાયતિ પગલા લેવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. હજુ પણ જો તંત્ર દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધુ બેકાબૂ બને તે પહેલા તેના અટકાયતી પગલા લેવા નકકર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે. રોગચાળાની ચપેટમાં આખું રાજકોટ શહેર આવી ગયું છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગના અને વાઈરલ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. નાના-નાના ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ આ રોગના કહેરથી બાકાત નથી.
રાજકોટમાં તહેવાર ટાણે જ રોગચાળો વકર્યો છે. શહેરમાં હાલ તાવ, શરદી, ઉધરસ સહિત વાઈરલ રોગોનાં અસંખ્ય કેસ નોંધાઈ રહ્યાં છે. ડેન્ગ્યુ અને મેલેરિયાનાં રોગચાળાએ ફુંફાડો મારતા હોસ્પિટલો-દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરભરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, તાવ-શરદીનાં કેસોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ શહેરમાં રોજ 1000થી વધુ લોકો વાયરલ તાવની ઝપટે ચડી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુ-મલેરિયાનો રોગચાળો ફાટી નીકળતા મનપાનું આરોગ્ય તંત્ર રોગચાળા પર કાબુ મેળવવામાં નિષ્ફળ અને રોગચાળાનાં આંકડા છુપાવવામાં સફળ રહ્યું છે. ચોમાસામાં પાણીજન્ય, મચ્છરજન્ય અને જીવાણુ જન્ય રોગચાળો વકરતો હોય છે પરંતુ મનપા આ રોગચાળો હાલ કેટલો છે અને તેનાથી ભોગ ન બનાય તે માટે લોકોએ શું ધ્યાન રાખવું તે અંગેની વિગતો જાહેર કરવામાં પણ નિષ્ફળ રહી છે. આરોગ્ય ખાતામાં અન્ય અધિકારીઓ છે, પદાધિકારીઓ પણ છે પરંતુ આ કામગીરીમાં તેઓ જરા પણ રસ નહીં લેતા હોવાથી સમગ્ર શહેર ગંભીર રોગોનાં ભરડામાં આવી ગયું છે ત્યારે આ પાછળ જવાબદાર તંત્ર અને અધિકારીઓને સબક શીખવવો જરૂરી બની જાય છે.
- Advertisement -
તંત્રની ઢીલીનીતિ અને કાગળ પરની કામગીરીને કારણે રાજકોટમાં ઠેરઠેર માંદગીના ખાટલાં
સરકારી-ખાનગી બંને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તંત્રની ઢીલીનીતિ અને કાગળ પરની કામગીરીને કારણે રાજકોટમાં ઠેરઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં દિનપ્રતિદિન રોગચાળો માથું ઉંચકી રહ્યો છે જે બાબત સાબિત કરે છે કે, કેટલી હદ સુધી રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી છે અને રંગીલું રાજકોટ રોગીષ્ટ રાજકોટ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, સારા પ્રમાણમાં વરસેલા વરસાદ બાદ તંત્રની જવાબદારી બને છે કે શહેરને ગંદકીમુક્ત કરી સ્વચ્છ રાખે પરંતુ તંત્ર દ્વારા આ અંગે આંખ આડા કાન કરવામા આવ્યા હતા, પરિણામે રાજકોટ શહેર રોગચાળાના ભરડામાં સપડાયું હતું અને શહેરનો એકપણ વિસ્તાર એવો બાકી રહ્યો ન હતો કે જ્યાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો ન હોય. રાજકોટ શહેરમાં હજુ પણ રોગચાળો વધી રહ્યો છે. સીવિલ હોસ્પિટલમા દર્દીઓનો ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લાં વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તાવ, શરદી, ઉધરસ જેવા કેસમાં ધરખમ વધારો થયો છે જેની સામે મનપાનું આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયુ છે. મનપાના તંત્ર માટે ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરવા જેવુ તો એ છે કે, સામાન્ય તાવ, શરદી, ઉધરસનાં હજારો કેસ થોડા દિવસમાં નોંધાઈ ગયા, જો ડેન્ગ્યું, ચીકનગુનિયા કે અન્ય ગંભીર રોગ હજુ વધુ વકરશે તો શું થશે?
ડેન્ગ્યુ, તાવ અને શરદી-ઉધરસનાં કેસમાં ચિંતાજનક વધારો
ગત વર્ષે કોરોના વખતે ડેંગ્યુના સપ્ટે-20માં 5 કેસ હતા, આ વખતે 19 દિવસમાં જ 48 કેસો નોંધાયા હતા. ગત વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં કોરોના ટોચ પર હતો પરંતુ ડેંગ્યુના કેસો માત્ર 9 નોંધાયા હતા અને આ વખતે તેથી 10 ગણા વધુ કેસો નોંધાયા છે. બે માસમા તાવના 50000થી વધુ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા છે. પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટ થતા અને મનપામાં રિપોર્ટ નહીં થતા કેસોની સંખ્યા અનેકગણી વધી હોવાની શક્યતા છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીનાં કેસનાં આંકડઓ માત્ર સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા હોય એવા જ જાહેર થયા છે જો ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સ્થિતિ ગંભીર હોવાનું માલૂમ પડે.
- Advertisement -
રોગચાળો વકરે તે પહેલાં મનપા તંત્ર જાગે તે જરૂરી
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે. શહેરમાં હાલ તાવ, શરદી, ઉધરસ સહિત વાઈરલ રોગોનાં અસંખ્ય કેસ નોંધાઈ રહ્યાં છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાએ ફુંફાડો માર્યો છે ત્યારે આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો વધુ વકરશે તેવી ભીતિ સર્જાઈ છે. મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોને કારણે શહેરભરમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. ચારેક વર્ષ પછી હવે ચિકનગુનિયાનો પણ રોગચાળો વર્ક્યો છે એવા સમયે મચ્છરજન્ય રોગચાળો વધુ શહેરીજનોના ભોગ લે તે પહેલા કુંભકર્ણની નિદ્રામાં ઘોરતું મનપા તંત્ર જાગે તે જરૂરી છે.
રોગચાળાથી બચવા ગંદકી દૂર કરી સફાઈ-ફોગિંગ ઝુંબેશ કરવા માંગ
રાજકોટીયનો દ્વારા તહેવાર ટાણે રોગચાળાથી બચવા ઠેરઠેર થયેલી ગંદકી દૂર કરી સઘન સફાઈ, દવા છંટકાવ, ફોગિંગ ઝુંબેશ સહિતની કામગીરી કરવા માગણી ઉઠી રહી છે પરંતુ આજ દિન સુધી આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. શહેરનો એકપણ વિસ્તાર એવો બાકી નથી રહ્યો જ્યાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો ન હોય. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં જ તાવ, શરદી, ઉધરસનાં હજારો કેસ નોંઘાયા છે. જો ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સ્થિતિ કેટલા અંશે અતિ ગંભીર છે માલૂમ પડશે. મચ્છર-માખી અને ગંદકી વધવાના કારણે તાવ-શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટી-પેટના રોગોનાં લાખો લોકો શિકાર બન્યા છે. અધિકારીઓ- પદાધિકારીઓ અને આરોગ્ય તંત્રની ઢીલીનીતિ અને કાગળ પરની કામગીરીને કારણે રાજકોટમાં ઠેરઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે.



