ભારત જગતનો સૌથી વધુ ખોરાક ઉત્પાદન કરનાર દેશ છે છતાં દેશમાં આજે પણ દરરોજ ભૂખ્યા સૂનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. કોરોનાકાળમાં સરકારે દેશભરમાં 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, દાળ જેવા અનાજો મફત મળી રહ્યા છે. આમ છતાં કુપોષણ અને ભૂખમરાથી ભારતમાં અસંખ્ય લોકો પીડાય રહ્યા છે, જેમાં દેશના કુલ બાળકો પૈકી 20 ટકા બાળકો પણ છે. ભૂખમરા અને કુપોષણની સ્થિતિમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. વધતી જતી જનસંખ્યા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધાઓ ન પહોંચી શકવાના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતમાં ભૂખમરાની સમસ્યા વધુ વિકરાળ બની છે. આ મામલે ભારતની સ્થિતિ કેટલાક ગરીબ ગણાતા દેશો કરતાં પણ બદતર છે.
ભારત 116 દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકઆંક 2021માં (Global Hunger Index-2021) ગગડીને 101માં સ્થાને પહોંચી ગયું છે. આ મામલે તે પોતાના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે. ગત વર્ષ એટલે કે 2020માં ભારત 94માં નંબર પર હતું. ભૂખ અને કુપોષણ પર નજર રાખનારી વૈશ્વિકી ભૂખમરા સૂચકઆંકની વેબસાઈટે ગત ગુરુવારે વર્ષ 2021ની ૠઇંઈં ની યાદી બહાર પાડી છે. ભારત આ વર્ષે 7 અંક ગગડી ગયું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન સતત કથળી રહ્યું છે. ભારતની પરિસ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ તો ઠીક પાકિસ્તાન કરતા પણ ખરાબ છે. તો આ મામલે ચીન ભારત કરતા ક્યાંય આગળ છે. ભૂખમરા બાબતે ભારતની સ્થિતિ કેટલાક ગરીબ ગણાતા દેશો કરતાં પણ બદતર છે. ભારતની વિચિત્રતા એ છે કે ભારત જગતનો સૌથી મોટો ખોરાક ઉત્પાદક દેશ છે સામે પક્ષે ભારતમાં ભૂખમરો ભોગવતા લોકોની વસતી પણ આખા જગતમાં સૌથી વધુ છે!
- Advertisement -



