નશાખોરોને પકડવા સાત ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ અને બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ: સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર અને સાયબર ફ્રોડથી બચવા એસપીની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
- Advertisement -
નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ 530 પોલીસ જવાન, હોમગાર્ડ અને જીઆરડીની ટીમો દ્વારા ફાર્મ હાઉસ, હોટેલો અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કડક ચેકિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને નશાખોરોને ઝડપવા માટે આ વર્ષે પ્રથમવાર 7 જેટલી સ્પેશિયલ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ અને બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નશાખોરો અને સ્ટંટબાજો સામે લાલ આંખ ઉજવણીના નામે જાહેર માર્ગો પર નશો કરી છાકટા બનતા તત્વો કે ઓવર સ્પીડમાં સ્ટંટ કરતા ચાલકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ કે સ્ટંટના વીડિયો મૂકનાર સામે પણ સાયબર ટીમ નજર રાખી રહી છે. પ્રથમ દિવસે જ કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરી રૂ. 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
સાયબર સલામતી અને જનજાગૃતિ એસપી મુકેશ પટેલે લોકોને અપીલ કરી છે કે નવા વર્ષની શુભેચ્છાઓ કે ભેટના નામે આવતી કોઈ પણ અજાણી લિંક કે એપીકે ફાઈલ પર ક્લિક ન કરવું, કારણ કે તેનાથી સાયબર ફ્રોડ થવાની પૂરી શક્યતા છે. જિલ્લાના તમામ હાઈવે અને ચેકપોસ્ટ પર રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.



