કાર સવાર ચાર શખ્સોમાં બેના મોત, બે ઈજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર વારંવાર બનતા અકસ્માતો અનેક પરિવારો માટે શોકનું કારણ બની રહ્યા છે. આવી જ એક વધુ ગમખ્વાર ઘટના ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ નજીક સામે આવી હતી. માલવણ તરફથી ધ્રાંગધ્રા તરફ આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર પલ્ટી મારી હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કારમાં ચાર યુવાનો સવાર હતા. કાર પલ્ટી થતાં ચારેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તથા સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ બની 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન બે યુવાનોને ગંભીર ઇજાઓના કારણે તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે યુવાનોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોમાં ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા (ઉંમર: 48 વર્ષ) અને બોનિલભાઈ નરેન્દ્રસિંહ દેસાઈ (ઉંમર: 28 વર્ષ)નો સમાવેશ થાય છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર માર્ગ સલામતીના અભાવે તથા અવારનવાર બનતા અકસ્માતોને કારણે વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે.



