મજૂર આપવાના બહાને મહિલા મારફતે ખેડૂતને ફસાવી સોનાના બિસ્કિટ અને રોકડ પડાવી લીધા; એ-ડિવિઝન પોલીસે સોનાના બિસ્કિટ અને કાર સહિત 51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીમાં લાંબા સમયથી ચર્ચાતી હનીટ્રેપ અને સીડી ઉતારી બ્લેકમેઇલિંગ કરવાની આશંકાઓ વચ્ચે સીટી એ-ડિવિઝન પોલીસે એક મોટી સફળતા મેળવી છે. મજૂરની જરૂરિયાત ધરાવતા એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂ. 53.50 લાખની મત્તા પડાવનાર ટોળકીના પાંચ સભ્યોને પોલીસે સોનાના બિસ્કીટ અને વાહનો સાથે ઝડપી પાડ્યા છે.
ષડયંત્ર: મજૂર શોધવા ગયા અને હનીટ્રેપમાં ફસાયા ભોગ બનનાર ભરતભાઈ કાસુન્દ્રાને પોતાની વાડીએ મજૂરની જરૂર હોવાથી તેમણે આરોપી પાંચાભાઈ માણસુરીયાનો સંપર્ક કર્યો હતો. પાંચાભાઈએ અન્ય શખ્સો સાથે મળી કાવતરું રચ્યું અને એક મહિલાને મજૂરીકામના બહાને ભરતભાઈની વાડીએ મોકલી હતી. ખેડૂત મહિલા સાથે બેઠા હતા ત્યારે જ અચાનક ટોળકીના અન્ય સભ્યો ત્રાટક્યા હતા અને ખોટા ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. આરોપીઓએ બળાત્કારની ફરિયાદ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 1.11 કરોડની માંગણી કરી હતી.
53 લાખની લૂંટ અને અપહરણ ડરી ગયેલા ખેડૂત પાસેથી આરોપીઓએ બળજબરીપૂર્વક 100 ગ્રામના 4 સોનાના બિસ્કીટ (કિંમત રૂ. 50 લાખ), અઢી તોલાનો સોનાનો ચેઈન અને 1 લાખ રોકડા મળી કુલ રૂ. 53,50,000 પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા આરોપીઓએ વધુ રકમ કઢાવવા ખેડૂતનું અપહરણ કરી તેમને ગોંધી રાખ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ કબજે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી બોટાદ, સાયલા અને વાંકાનેર પંથકના પાંચ આરોપીઓ – જીલુભાઈ પરસાડિયા, મુકેશભાઈ આલ, કરણભાઈ વરુ, પાંચાભાઈ માણસુરીયા અને દેવાંગભાઈ વેલાણીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપીઓ પાસેથી 3 સોનાના બિસ્કીટ, સોનાનો ચેઈન, બે લક્ઝરી કાર અને 6 મોબાઈલ મળી કુલ રૂ. 51.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.



