માવઠાનો માર: ખેતી પાક સાથે હવે કેસર કેરી પર તેની અસર
નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ પ્રક્રિયા શરુ ન થતા કેરીની સીઝન પર અસર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
સોરઠ પંથકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહીત ગીર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં અંબાના બગીચા છે. ત્યારે નવેમ્બર મહિનામાં આંબા પર મોર બાંધવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. પણ માવઠાના મારના લીધે ખેડૂતોને ખેતી પાકમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે માવઠાના લીધે આંબાવાડિયુંમાં પણ તેની અસર પડી છે. હાલ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે છતાં આંબામાં ફલાવરીંગ મોર પ્રક્રિયા બંધાઈ નથી જેના કારણે ફલાવરીંગ મોડું થશે તો કેસર કેરીની સીઝન પણ મોડી શરુ થશે અને કેરીની સીઝન પણ લાંબી ચાલશે બીજી તરફ આંબામાં મોર આવવાને બદલે ’કોરામણ’ જોવા મળતા ખેડૂતો પર વધુ એક આર્થિક સંકટ વાદળો ઘેરાયા છે.
સામાન્ય રીતે નવેમ્બર પછી આંબામાં ફલાવરીંગ (મોહોર) આવવાનો સમય હોય છે. પરંતુ આ વખતે અણધાર્યા માવઠાએ માથું ઉંચક્યું ને કોરામણ આવી ગઈ. હવે તો કોઈ ચમત્કાર જ એવી આશા રાખી શકાય કે, કોરામણની જગ્યાએ ફરીથી ફલાવરીંગ આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
આંબામાં ફ્લાવરિંગ (મોર)ની જગ્યાએ ’કોરામણ’ આવતા કેરીની સીઝન મોડી થવાની ભીતિ સામાન્ય રીતે નવેમ્બર મહિના પછી આંબામાં ફ્લાવરિંગ એટલે કે ’મોર’ આવવાની શરૂઆત થતી હોય છે, જે કેરીના મબલખ પાકની આશા જગાવે છે. પરંતુ, આ વર્ષે અણધાર્યા માવઠાએ વાતાવરણમાં મોટું પરિવર્તન લાવી દીધું છે.
માવઠાના કારણે વાતાવરણમાં થયેલા ફેરફારથી આંબામાં મોર આવવાને બદલે ’કોરામણ’ (નવી ડાળીઓ કે પર્ણો ફૂટી નીકળવા) આવી ગઈ છે, જે કેરીના ઉત્પાદન માટે સારો સંકેત નથી. કોરામણ આવવાથી મોર આવવાની પ્રક્રિયા અવરોધાય છે. ખેડૂતો અને કેરીના વેપારીઓમાં હવે એવી આશા છે કે, જો કોઈ ચમત્કારિક કુદરતી પરિવર્તન આવે અને કોરામણની જગ્યાએ ફરીથી ફ્લાવરિંગ આવે, તો જ પાકને બચાવી શકાય. જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે, તો ગુજરાતમાં કેરીની સિઝન સામાન્ય રીતે શરૂ થતા સમય કરતાં મોડી ચાલુ થાય તેવી ભીતિ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.



