મીઠું પકવતા અગરિયાઓની સોલર પેનલો પણ પાણીમાં ગરકાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. માવઠાના લીધે ખેડૂતોની સાથે રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પણ મોટું નુકશાન સામે આવ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે પરંતુ સાથે કચ્છના નાના રણમાં મીઠું પકવતા શ્રમિક અગરિયા પરિવારની પણ મહેનત પર પાણી ફેરવ્યું છે. ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારમાં વસતા અને મીઠું પકવવાનો વ્યવસાય કરતા અગરિયા પરિવારોને મીઠાના ઉત્પાદન માટે દિવાળી બાદ સિઝન શરૂ થાય છે જેને લઇ મીઠું પકવતા આશરે 1200થી વધુ પરિવારો પોતાના વ્યવસાય માટે રણમાં પ્રવેશ કરી હજુ તો મીઠું પકવવા માટેના પાટા તૈયાર કરે ત્યાં જ કમોસમી વરસાદે આગમન કરતા મીઠાના પાટા ધોવાયા હતા સાથે જ સતત પાંચેક દિવસ સુધી અવિરત વરસાદને લીધે રણકાંઠા વિસ્તાર દરિયામાં પરિવર્તિત થતા અગરિયા પરિવારોને તૈયાર કરેલા પાટા પર પાણી ફરી વળ્યું હતું રણમાં અચાનક વરસાદી પાણી આવતા અગરિયાઓને જેટલી ઘર વખરી હાથ લાગી એટલી લઈને ફરીથી રણકાંઠાના ગામડાઓમાં પરત ફરવું પડ્યું હતું. જેમાં કેટલાક અગરિયા પરિવારોની ઘરવખરી તો પાણીમાં ગરકાવ થઈ હતી.
- Advertisement -
જેને લઇ મીઠાના તૈયાર પાટા પર વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને પણ મોટું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જેથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો દ્વારા સરકાર પાસે ખેડૂતોની માફક નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગ કરી છે.



