ભાજપ સરકારે શું કરવું જોઈએ તેની સૂફીયાણી સલાહની જરૂર નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેણે પોતાના શાસન કાળ દરમિયાન એક મણ પણ મગફળી ટેકાના ભાવથી ખરીદી નથી તેવા કોંગ્રેસી મિત્રો ભાજપ સરકારે શું કરવું જોઈએ તેની સુફીયાણી સલાહ આપી રહ્યા છે, તેમ એક નિવેદનમાં પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે જણાવેલ છે.
- Advertisement -
પટેલ વધુમાં જણાવે છે કે સંપૂર્ણ કુદરત આધારિત અને સૌથી જોખમી વ્યવસાય કરતો ખેડૂત સમુદાય છે જેને ઉપર આભ અને નીચે ધરતી છે છતાં જોખમ ઉઠાવીને ધરતીનું પેટ ચીરીને લોકોનો જઠરાગ્નિ ઠારે છે.
ડુંગળી વાવી હોય ત્યારે ભાવ પોષાય તેમ હોય અને માલ જ્યારે માર્કેટમાં આવે ત્યારે પાણીના મૂલે વેચાતી હોય છે અને કુદરતી આફતના કારણે પાક બગડે તો ડુંગળીના ભાવ આસમાનને આંબી જાય છે ત્યારે આ જ કોંગ્રેસના મિત્રો ડુંગળીની રેંકડી લઈને રાહત ભાવે ડુંગળી વેચીને ખેડૂતોનો વિરોધ કરતાં હોય છે. ચાલુ સાલ મગફળીનો બમ્પર પાક ઉતરે તેમ હતો પરંતુ ખેડૂતોના મોંમાં આવેલ કોળીયો વરસાદે ઝૂંટવી લીધો મગફળીના પાથરા ઉપર ત્રણ-ત્રણ દિવસ વરસાદ પડ્યો અને પાક બગડ્યો, તેલના ભાવમાં ડબ્બો થોડો ઊંચો ગયા તો કહેવામાં આવ્યું કે તેલના ભાવ ડબે 50 રૂપિયા વધી ગયા, તેલના ભાવની તુલના કરી પરંતુ જે ખેડૂતોનો માલ પલળી ગયો તેનું વર્ષ કેવું જશે તેનો ખ્યાલ કોઈને આવે છે ખરો? આવી દરેક બાબતોનો ખ્યાલ રાખીને ખેડૂત ભાંગી ન પડે તે માટે સરકાર સતત ચિંતા કરે છે અને કરોડો રૂપિયાનું નુકસાન કરીને ખેડૂતને બચાવવા પ્રયાસ કરે છે. 45 વર્ષની ઉંમરની વ્યક્તિએ કોંગ્રેસનું શાસન અનુભવ્યું નથી તેથી તેને કોંગ્રેસ ભાજપ સરકારની તુલના સમજી ન શકે તે સ્વાભાવિક છે, બીજાનો વાંક કે દોષ જોવાને બદલે પોતે તેના શાસનમાં ખેડૂતનું શું હિત કર્યુ તે નજર કરીને જુએ તેમ એક નિવેદનમાં પટેલે જણાવ્યું હતું.



