આપણું લોકસંગીત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું પરિચાયક : ભૂપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતી લોકસાહિત્ય-લોકસંગીતને ઉજાગર કરવાનો નવતર પ્રયોગ: માહિતી નિયામક કે.એલ.બચાણી
- Advertisement -
લોકના શ્ર્લોક જેવાં ગુજરાતી લોકગીતોના અર્થ સમજવાની પણ હવે ઉત્સુકતા : નીલેશ પંડ્યા
માહિતી ખાતાનું પ્રથમ એવું પ્રકાશન જેના સંપૂર્ણપણે Gemini AIનો ઉપયોગ થયો હોય !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુપ્રસિદ્ધ લોકગાયક,લેખક,સંશોધક નીલેશ પંડ્યાનું 55 લોકગીતો અને આસ્વાદનું વધુ એક પુસ્તક ‘સૈયર મોરી રે…!’ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.ગ્લોસી પેપરમાં કલરફુલ એવું માહિતી ખાતાનું આ પ્રથમ પ્રકાશન છે જેમાં સંપૂર્ણપણે ૠયળશક્ષશ અઈં નો ઉપયોગ થયો હોય !
ગુજરાતી લોકગીતોનાં સંપાદનો આપણી પાસે અનેક છે પણ લોકગીતો સાથે રસદર્શનનાં પુસ્તકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે ત્યારે નીલેશ પંડ્યાએ પ્રચલિત-અપ્રચલિત લોકગીતો અને એનું રસદર્શન કરાવતું આ પુસ્તક તૈયાર કર્યું છે.આમ,લોકગીતો સાથે રસદર્શનનું તેમનું આ ચોથું પુસ્તક પ્રગટ થયું છે.
‘સૈયર મોરી રે…!’ને શુભેચ્છા સંદેશો પાઠવતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નોંધ્યું કે તન અને મનને ઊર્જાથી ભરી દેતું આપણું લોકસંગીત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું પરિચાયક છે.ગુણવંતી ગુજરાતની આ અણમોલ ધરોહર આગામી પેઢીને વારસામાં મળે અને લોકગીતોથી આ ધરતી સદાકાળ ગુંજતી રહે એવા શુભ આશયથી માહિતી ખાતા દ્વારા લેખક નીલેશ પંડ્યાના લોકગીતોના રસદર્શનનું પુસ્તક ‘સૈયર મોરી રે…!’ પ્રકાશિત થયું તે સર્વથા આવકાર્ય છે.
માહિતી નિયામક કે.એલ.બચાણીએ પોતાના સંદેશામાં જણાવ્યું કે ‘સૈયર મોરી રે…!’ પુસ્તકમાં લોકગીતોનો આસ્વાદ કરાવતો રસથાળ છે.ગુજરાતી લોકસાહિત્ય અને લોકસંગીતને આગવી રીતે ઉજાગર કરવાના આ નવતર પ્રયોગ માટે લેખક નીલેશ પંડ્યા અને માહિતી ખાતાની સંપાદકીય ટીમની મહેનત બિરદાવવા લાયક છે.
પ્રસ્તાવનામાં નીલેશ પંડ્યાએ લખ્યું કે,વામાઓના વેદ,પ્રજાનાં પુરાણ અને લોકના શ્લોક જેવાં ગુજરાતી લોકગીતોની જેમ હવે એનો આસ્વાદ પણ ખૂબ લોકભોગ્ય બની રહ્યો છે.લોકગીતોનું ભાવથી શ્રવણ કરતાં અને લોકગીતો પર રાસગરબા લેતાં ગુજરાતી બંધુ-ભગિનીઓને લોકગીતોના અર્થ સમજવાની પણ એટલી જ ઉત્સુકતા છે.
ઉલ્લેખનીય છે કે નીલેશ પંડ્યાનું 90 લોકગીતો સાથે રસદર્શનનું પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ માહિતી ખાતાએ સને 2019 માં પ્રગટ કર્યું હતું જે આજે ત્રણ યુનિવર્સિટીઝના અભ્યાસક્રમમાં છે,ઉપરાંત તેમનાં છેલડા હો છેલડા (ધોળ અને રસદર્શન),સોના વાટકડી રે,,,(લોકગીતો અને રસદર્શન),લોકસરિતાનાં બે વહેણ-લોકગીત અને ધોળ (લોકગીત-ધોળની તુલના),આંગણે ટહુકે કોયલ (લોકગીતો અને રસદર્શન) તથા મોતીડાં (લોકસાહિત્યના લેખો) જેવાં પુસ્તકો પણ ખૂબ જ લોકપ્રિય છે.



