કોલકાતાનો હૈદરાબાદ સામે છ વિકેટે વિજય
રાજસ્થાન, કોલકાતા અને મુંબઇ પાસે હજુ પણ પ્લે ઓફમાં સ્થાન મેળવવાની તક છે
ખાસ-ખબર સંવાદદાતા
બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર શુભમન ગિલે નોંધાવેલી અડધી સદીની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે અહીં રમાયેલી આઇપીએલના ડબલ હેડરની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે હરાવીને પ્લે ઓફ માટે બાકી રહેલા ચોથા સ્થાન માટેની રેસ વધારે રોમાંચક બનાવી દીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર હૈદરાબાદની ટીમે આઠ વિકેટે 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ ત્રણ બોલ બાકી રાખીને ચાર વિકેટે 119 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
વર્તમાન સિઝનના પ્લે ઓફ માટે હજુ એક સ્થાન ખાલી છે જેના માટે ત્રણ ટીમો હજુ પણ દાવેદાર છે. હૈદરાબાદ બહાર થઇ ચૂક્યું છે અને પંજાબ માટે નજીવી તક છે. રાજસ્થાન, કોલકાતા અને મુંબઇ પાસે હજુ પણ પ્લે ઓફમાં સ્થાન મેળવવાની તક છે પરંતુ ત્રણેય ટીમોએ તેની બાકી બચેલી બંને મેચો જીતવી પડે તેમ છે અને ત્યારબાદ રનરેટ દ્વારા નિર્ણય આવશે.
- Advertisement -
જો આ ત્રણેય ટીમો એક-એક મેચ જીતે તો પછી પંજાબ પણ પ્લે ઓફની રેસમાં સામેલ થઇ જશે પરંતુ આ સમીકરણમાં પણ વધારે સારો નેટ રનરેટ ધરાવતી ટીમ બાજી મારશે. પંજાબે પોતાની છેલ્લી મેચ ચેન્નઇ સામે જીતવી પડે તેમ છે. છેલ્લા મુકાબલા સુધી પ્લે ઓફ માટે ચોથી ટીમ કઇ છે તેનો નિર્ણય આવે તેવી ઓછી સંભાવના છે.



