સ્વસ્થ નારી, સશક્ત પરિવાર: જુનાગઢમાં અભિયાનનો શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો શુભારંભ જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
- Advertisement -
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોના આરોગ્યને સુધારવાનો છે. આ હેઠળ, જુનાગઢ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે 2 ઓક્ટોબર સુધી સઘન આરોગ્ય તપાસ, સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને સ્ક્રિનિંગના મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન, લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની કીટ, પોષણ કીટ અને વધુ વખત રક્તદાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ચોરવાડના કેમ્પમાં કુલ 680 લાભાર્થીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પમાં 225 યુનિટ રક્તનું કલેક્શન થયું હતું જયારે સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 246 આરોગ્ય કેમ્પ યોજાયા, જેમાં 7,660 લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભવિષ્યમાં જિલ્લાની 20,229 માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ અને 42 કોલેજની વિદ્યાર્થિનીઓની પણ આરોગ્ય તપાસ કરવામાં આવશે.



