નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર એક ફૂટ ઊંડા ખાડા પડતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું
રોજિંદા ટ્રાફિક જામ અને વાહનોને થતાં નુકસાનથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
મોરબી જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલતથી વાહનચાલકો અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ પર ઠેર ઠેર એક ફૂટ ઊંડા ખાડાઓ પડ્યા છે, જેના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાઓ રોજિંદા બની ગઈ છે. વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ, રોડ ટેક્સ અને વાહન ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓની ગુણવત્તા અત્યંત નબળી છે. મોરબીના ઉદ્યોગકારો દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં ઔદ્યોગિક વિસ્તારથી લઈને ગામડાં સુધીના રસ્તાઓ ખરાબ હાલતમાં છે.
- Advertisement -
રસ્તાઓની આ ખરાબ પરિસ્થિતિ માટે અધિકારીઓ વરસાદને કારણભૂત ગણાવે છે, પરંતુ મોરબીમાં બારેમાસ રસ્તાઓ પર મોટા ખાડા જોવા મળે છે. આના કારણે વાહનોને નુકસાન થાય છે, માલની હેરફેર દરમિયાન પણ નુકસાન થાય છે અને અકસ્માતોનું જોખમ વધે છે. અધિકારીઓ દ્વારા રસ્તાઓની મરામત માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારને અપીલ કરી છે.



