ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.11
એમેનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ “શેડોઝ ઓફ ક્ધટ્રોલ: સેન્સરશિપ એન્ડ માસ સર્વિલિયન્સ ઇન પાકિસ્તાન” મુજબ, પાકિસ્તાની સત્તાવાળાઓ લાખો નાગરિકો, પત્રકારો અને અગ્રણી રાજકારણીઓ પર સામૂહિક જાસૂસી રાખે છે. વિદેશી ખાનગી કંપનીઓના ઉપકરણોની મદદથી નાગરિકોની તમામ ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે આ જાસૂસી પ્રણાલી ઊભી કરવા માટે પાકિસ્તાની લશ્ર્કરે ચીન તથા પશ્ર્ચિમી દેશોની ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. આ પ્રોજેક્ટ માટે વિવિધ સંસ્થાઓ સાથે મળી એક વર્ષ લાંબી તપાસને અંતે એમ્નેસ્ટીએ તેના અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે પાકિસ્તાનની શક્તિશાળી ગેરકાયદે સામૂહિક જાસૂસીનું કામ જર્મની, ફ્રાન્સ, યુએઇ, ચીન, કેનેડા અને યુએસની કંપનીઓ વચ્ચે પ્રવર્તતી કડીઓને કારણે સરળ બની રહ્યું છે. સશસ્ત્ર દળો અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ-આઇએસઆઇ- દ્વારા લોફૂલ ઇન્ટરસેપ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ-એલઆઇએમએસ- દ્વારા પાકિસ્તાનના નાગરિકોની ડિજિટલ પ્રવૃત્તિઓ પર બારીક નજર રાખવામાં આવે છે. નવી ફાયરવોલ વેબ મોનિટરિંગ સિસ્ટમ-ડબલ્યુએમએસ 2.0દ્વારા તમામ ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે છે. આ સિસ્ટમ માં વપરાતી ટેકનોલોજી જર્મન કંપની અલ્ટિમાકો પાસેથી અમિરાતી કંપની ડેટાફ્યુઝન દ્વારા મેળવવામાં આવેલી છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના મહામંત્રી એગ્નેસ કાલામાર્ડે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વેબ મોનિટરિંગ સિસ્ટમ અને એલઆઇએમએસ વોચટાવરની જેમ કામ કરે છે. તેઓ સામાન્ય પાકિસ્તાની નાગરિકોના જીવન પર સતત નજર રાખે છે. પાકિસ્તાનમાં તમારી ઇમેઇલ, ફોનકોલ્સ અને ઇન્ટરનેટના જોડાણ એમ તમામ વ્યવસ્થા પર નજર રાખવામાં આવે છે પણ લોકોને ખબર સુદ્ધાં નથી કે તેમની પર સતત નજર રાખવામાં આવે છે. આ વાસ્તવિકતા એટલા માટે ભયંકર છે કે તે ગુપ્ત રીતે કામ કરી અભિવ્યક્તિને રુંધે છે અને માહિતીના સ્રોત પર તેની પક્કડ જમાવી રાખે છે. પાકિસ્તાનની પ્રજાને આકરી કિંમત ચૂકવવી પડી રહી છે.
પાકિસ્તાની ટેલિકમ્યુનિકેશન્સ નેટવર્કસ ઓથોરિટી દ્વારા એલઆઇએમએસને સંચાર નેટવર્કમાં ખાનગી કંપનીઓ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. જેને કારણે સશસ્ત્ર દળો અને આઇએસઆઇને નાગરિકોનો તમામ પ્રકારનો ડેટા મળી રહે છે. જેમાં ફોન કોલ્સ, ટેકસ્ટ મેસેજ અને લોકો કઇ વેબસાઇટ જુએ છે તે સુદ્ધાંની સરકારને જાણ થઇ જાય છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ટેકનોલોજિસ્ટ જુર વાન બર્ગેને જણાવ્યું હતું કે આ બધી જાસૂસીની સિસ્ટમ્સ જાહેર નાણાં દ્વારા બેસાડવામાં આવેલી છે અને તેનો ઉપયોગ ભિન્નમતને દબાવવા માટે કરવામાં આવે છે જેને કારણે પાકિસ્તાની લોકોના માનવ અધિકારોને મોટું નુકશાન થાય છે. ડબલ્યુએમએસ વેબ 2.0 દ્વારા ઓથોરિટી વીપીએનને પણ બ્લોક કરી શકે છે અને લોકો કઇ સાઇટ જુઍે છે તેની માહિતી પણ સરકારને આપે છે. કમનસીબી એ છે કે દેશની કાનુની વ્યવસ્થામાં આ સામૂહિક જાસૂસી સામે રક્ષણ આપે તેવી કોઇ જોગવાઇ પણ નથી.



