વિસાવદર મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ દરમિયાન, જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરનારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ જ ગુનામાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
- Advertisement -
મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદે ફેસબુક અને યુટ્યુબ પર અભદ્ર ટિપ્પણીઓ કરનારા યુઝર્સ અંગે ટેકનિકલ ટીમની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પાંચ જેટલા યુઝર્સની ઓળખ થઈ હતી, જેમણે ઇરાદાપૂર્વક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આ તમામ આરોપીઓને શોધી કાઢ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિશાલ દત્તાત્રેય વેકરીયા રહે. સુરત, વિવેક કાંતિદાસ ચોપડા રહે. સુરત, દત્તાત્રેય હરગોવિંદ ઠાકર રહે. રાજકોટ, વિનોદ કાનજીદાસ ઉકેડીયા રહે. પીપળિયા, તા. વાંકાનેર અને સંજય હીરાલાલ માળી રહે. વડોદરા સહીત વધુ 5 શખ્સોને ઝડપી વિસાવદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.



