તંત્રે દબાણ અંગે નોટિસ આપતા ગામના અન્ય દબાણો હટાવવાની અરજી કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર સોનાની લગડી માફક કિંમતી જમીન પર પૂર્વ સરપંચ અને તલાટી દ્વારા મેળાપીપણું કરી સિંતલની જમીનને ગામતળમાં દર્શાવી ખોટી આકારણી કરી બોગસ દસ્તાવેજો ઊભા કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં “ખાસ ખબર” દ્વારા સૌ પ્રથમ આ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. જેમાં સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા રાજસીતાપુર ગામે પાંચ પીરની દરગાહ સામે આવેલી સરકારી જમીન પર દુકાનો ખડકી દેવાઈ હતી અને દુકાનોની પાછળના ભાગે મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો ઉભી કરવામાં એની કોઈ નહીં પરંતુ પૂર્વ સરપંચ અને તે સમયના મહિલા તલાટીનો ખૂબ જ અગત્યનો રોલ હોવાનું પણ પુરાવા સાથે સામે આવ્યું હતું જ્યારે ખાસ ખબર દ્વારા આ અહેવાલ પ્રસિધ્ધ કરાયો ત્યારે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા તાત્કાલિક અહેવાલને ધ્યાને લઈ મામલતદારને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેથી મામલતદાર દ્વારા દુકાન ધારકોને પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી હતી. જેથી પૂર્વ સરપંચને “ઘરે ઘોડા આવે” તેવી સ્થિતિ ઉદભવ થતા મામલતદાર કચેરી ખાતે નોટીસના જવાબમાં અચાનક દસ્તાવેજ રજૂ કરાયો હતો. જ્યારે આ દસ્તાવેજ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ખરેખર આ જમીન સરકારી છે અને આકારણીના આધારે સરકારી જમીનનો દસ્તાવેજ કરી તેમાં બાંધકામ કરાયું છે એટલું જ નહીં આકરણી પણ સીમતલની જમીનને ગામતળ દર્શાવી તલાટીએ મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કૌભાંડ કરનાર પૂર્વ સરપંચને તો ખબર જ હતી કે આજ નહીં તો કાલ કૌભાંડ બહાર પડશે જેથી યુક્તિ અજમાવી પોતાનું ગેરકાયદેસર દબાણ યથાવત રહે અને કૌભાંડ પણ ન ખુલે તેવા આશ્રયથી રાજસીતાપુર ગામના અન્ય દબાણોની અરજી આપી આખાય મામલાને બીજા જ રસ્તે દોરવામાં આવ્યો હતો.
જોકે હાલ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા નેશનલ હાઈવે માર્ગ મકાન વિભાગની લીંબડી સ્થિત કચેરી ખાતે પત્ર પાઠવી રોડની દાઉદનું દબાણ હટાવવા લેખિત પાઠવ્યું છે જેને લઇ લીંબડી માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ દબાણ કર્તાઓને પ્રથમ અને હવે બીજી વખત નોટિસ આપી દબાણ અંગે પુરાવા અંગાવ્યા છે પરંતુ પોતાનું દબાણ યથાવત રાખવા અને સરકારી જમીનને હડપ કરવાના કૌભાંડને દબાવવા માટે હજુય એની ગ્રામ પંચાયતમાંથી દોરી સંચાર કરતા અને કાગળો પર સરકારી જમીન હડપ કરવાના આખાય કૌભાંડના મસ્ત માઇન્ડ મહિલા તલાટીના દોરી સંચાથી જ તંત્રને અવળે રવાડે ચડાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે હવે તંત્ર આ સોનાની લગડી માફક કિંમતી જમીનને હડપ કરવાના પ્રકરણમાં તટસ્થ કાર્યવાહી કરી દબાણ હટાવવાની સાથે કોને પદભ્રષ્ટ કરે છે ? તે આવનારા સમયમાં જોવાનું રહે છે.
પોતાનું કૌભાંડ છુપાવવા અન્ય દબાણની લેખિત અરજીઓ કરી
- Advertisement -
સરકારી જમીનને હડપ કરવાના પ્રકરણમાં મુખ્ય માસ્ટર માઇન્ડ મહિલા તલાટી દ્વારા અન્ય ગ્રામ પંચાયતમાંથી આખાય કૌભાંડને છુપાવવા માટે પહેલા તો ફરીથી રાજસીતાપુર ગામે તલાટી તરીકે આવવા માટે ધમપછાડા કર્યા અને જ્યારે આ વાત ન બની ત્યારે હવે પૂર્વ સરપંચના ખભે બંધુક રાખીને ગામના અન્ય દબાણોની અરજી કરાવી તંત્રને અવળા કાન પકડાયા હોવાનું સામે આવ્યું છે.
ગોકળગતિએ ચાલતી તપાસમાં જમીન કૌભાંડને વેર વિખેર કરવાની કવાયત
અગાઉના તલાટી દ્વારા જે પ્રકારે સિંટલને ગામતળ દર્શાવી સરકારી જમીનમાં આકરણી કરી દસ્તાવેજ ઊભો કરાયો છે તે આખાય કૌભાંડ ઉજાગર થતા કોઈપણ પ્રકારે આ પૂરવો નષ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે આ તરફ ધીમીગતિએ ચાલતી તપાસમાં પણ જમીન કૌભાંડીઓને પૂરેપૂરી તક પણ મળી રહે છે પરંતુ “ખાસ ખબર” પાસે તમામ પૂર્વ હોવાથી એક પણ જમીન કૌભાંડી છટકી શકે તેવી સ્થિતિ નથી !
પૂર્વ સરપંચે આખા મામલાને દબાવવા અનેક ધમપછાડા કર્યા
“ખાસ ખબર” દ્વારા જ્યારે આ સરકારી જમીન પર દબાણ અને હડપ કરવાનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો ત્યારે પૂર્વ સરપંચ દ્વારા પોતાનો બોગસ દસ્તાવેજ રજૂ કરી પોતે સાચા હોવાનું જણાવ્યું હતું પરંતુ ખરેખર દસ્તાવેજ બોગસ હોવાનું સામે આવતા અંતે કોઈપણ કાળે સરકારી કર્મચારીઓને વગથી આખાય કૌભાંડને દબાવવા માટે ધમપછાડા કર્યા હતા.



