ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગતરાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં એકથી સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. મોરબી તાલુકામાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ટંકારા અને હળવદ તાલુકામાં 3.25 ઇંચ, માળિયા તાલુકામાં 1.5 ઇંચ અને વાંકાનેર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ખેડૂતોએ ચોમાસુ પાક માટે આગોતરું વાવેતર કર્યું હતું. નર્મદાની કેનાલોમાંથી છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં હતા. આ વરસાદથી ખેડૂતોના વાવેતરને જીવતદાન મળ્યું છે. મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોંકળાની યોગ્ય સફાઈ ન થઈ હોવાથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આના કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબી તાલુકામાં ગત રાતે સૌથી વધુ 4.25 ઇંચ, હળવદમાં 3.25 ઇંચ વરસાદનું પાણી વરસ્યું
