આઠેક મહિના પૂર્વે આ કોલસાની ખાણમાં ત્રણ શ્રમિકો મોતને ભેટ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો અને આ ગેરકાયદેસર ખાણો ચલાવતા ખનિજ માફીયાઓ બેરોકટોક ખનન કરી રહ્યા છે. કહેવાય છે કે તંત્ર જ આ ખનિજ માફીયાઓ સાથે સાંઠગાંઠ રાખીને કોલસાનો કાળો કારોબાર ચલાવવાની રીતસર પરમિશન આપી રહ્યા છે. ત્યારે થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં ચાલતી બે હજારથી પણ વધુ કોલસાની ખાણોમાં દરરોજ હજારો ટન કોલસો બરોબર વેચાણ થાય છે અને કરોડો રૂપિયાનું કિંમતી ખનિજ ચોરી થાય છે આ કોલસાના ગેરકાયદેસર ખનનની આવકમાં ખનિજ માફિયાઓની સાથે તંત્રના પણ ખિસ્સા ભરાય છે. જ્યારે આ ત્રણેય તાલુકામાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ મોટાભાગે સરકારી અને ગૌચર જમીન ખોદી નાખે છે ત્યારે આ પ્રકારે ગયા વર્ષે એટલે કે ગત 13 જુલાઈ 2024ના રોજ મૂળી તાલુકાના ભેટ ગામે સરકારી જમીન પર ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં ખોદકામ દરમિયાન ત્રણ શ્રમિકોના મોત થયા હતા.
- Advertisement -
આ ત્રણ શ્રમિકોમાં લક્ષણભાઇ સવશીભાઈ ડાભી, ખોડાભાઇ વાઘાભાઇ મકવાણા અને વિરમભાઇ કુકાભાઈ કેરાળીયાનું મોત થયું હતું. જે અંગે મૂળી પોલીસ મથક ખાતે જશાભાઇ રઘાભાઈ કેરાળીયા, જનકભાઈ જીવણભાઈ અણિયાળી, ખીમજીભાઇ નરશીભાઈ સારદીયા (જિલ્લા પંચાયત સભ્ય પતિ) તથા કલેપાશ કેશુભાઈ પરમાર (કારોબારી ચેરમેન,મૂળી) વિરુધ માનવવધનો ગુન્હો પણ નોંધાયો હતો. આ ગુન્હો નોંધાતા જ જિલ્લા પંચાયત સભ્યના પતિ અને તા.પંચાયત કારોબારી ચેરમેન ભાજપના નેતાઓના શરણે જઈ ધમપછાડા કરી સી સમરી ભરાવીને ફરિયાદમાંથી મુક્ત થયા હતા પરંતુ ભેટ ગામની જે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ત્રણ શ્રમિકોના મોત થયા તે સરકારી જમીન પર હોવાથી ઘટનાના આઠેક મહિના બાદ હવે જશાભાઇ રઘાભાઈ કેરાળીયા તથા જનકભાઈ જીવણભાઈ અણિયાળી વિરુધ મૂળી મામલતદાર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા અને કોલસાની ખાણો ખોદવા બદલ મુળી પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાવ્યો હતો. જોકે આ પ્રકારે મૂળી અને થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા મોટાભાગે સરકતી અથવા ગૌચર જમીન પર ચાલી રહી છે જેની સામે પણ આવતા દિવસોમાં કડક કાર્યવાહી થશે તેવી આશા નજરે પડે છે.



