ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
વંથલી જુનાગઢ હાઈવે પર કોયલી ફાટકથી શાપુર જતો રસ્તો અતિ બિસ્માર હોય આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવેતો લોકો દ્વારા હાઈવે ચક્કાજામની ચીમકી આપવામાં આવી છે
શાપુર ગ્રામ પંચાયત તેમજ વેપારી એશોષીએશન દ્વારા બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત ને પત્ર પાઠવી જણાવ્યું છે કે વંથલી જૂનાગઢ હાઈવે પર શાપુર ક્રોસિંગ (કોયલી ફાટકથી શાપુર તેમજ શાપુરથી વંથલી ) તરફ જતો 5 કિમી માર્ગ અતિ બિસ્માર બની ગયો છે અહીં મોટા વાહનો તો ઠીક પણ મોટર સાયકલ પણ ચલાવવું મુશ્કેલ છે 6 વર્ષ પહેલા બનેલ આ રસ્તાનું નામોનિશાન મટી ગયું છે તંત્ર દ્વારા માત્ર ખાડા બુરી કામગીરી કરવામાં આવે છે તેમાં પણ કામગીરીમાં લોલમલોલ અને નબળી કામગીરીને કારણે રસ્તાની હાલત મગરમચ્છના પીઠ સમાન બની ગઈ છે આ રસ્તાના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆત કરી છે છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા આગામી 15 દિવસમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સમસ્ત શાપુરના લોકો પોતાના વેપાર ધંધા બંધ રાખી વંથલી જુનાગઢ હાઈવે પર કોયલી ફાટક બ્રિજ નજીક સમન્વય હોસ્પિટલ ખાતે એકત્ર થઈ આ રસ્તા પરથી પસાર થતા તમામ વાહનો રોકી ચક્કાજામ કરી પોતાની ન્યાયિક અને વ્યાજબી માંગણી તંત્રના બહેરા કાન સુધી પહોંચાડશે અને જે કઈ બનાવ અંગે જવાબદારી તંત્રની રહેશે તેમજ જણાવ્યું છે.
શાપુર કોર્સિંગ બિસ્માર રસ્તાને કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે લોકો આક્રોશ સાથે જણાવે છે કે આ રસ્તા પર મસમોટા ખાડા તેમજ ઊડતી ધૂળને કારણે લોકોને આરોગ્ય સામે પણ ગંભીર જોખમ છે આ રસ્તા પર વાહન ચલાવવાને કારણે કમરના દુ:ખાવા થઈ ગયા છે તેમજ વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે પ્રજાના પૈસે સરકારી ગાડીમાં લીલા લહેર કરતા રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ રસ્તા પર વાહન ચલાવે તો પ્રજાને થતી પીડાનો અહેસાસ થાય.આ મુદ્દે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા પણ અનેકવાર રજૂઆત કરાઈ છે છતાં કોઈ કામગીરી થતી નથી.



