ડિ.જે.-ઓરકેસ્ટ્રાનું ઘેલું : ગત વર્ષે જૂનાગઢમાં પરંપરાગત 76, 10 અર્વાચીન ગરબીઓ હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેરમાં જાણે ખેલૈયાઓને ટેક્નોલોજીનુ ઘેલુ લાગ્યુ હોય તેવી સ્થિતી જોવા મળી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રાચીન ગરબીમાં ઘટાડો અને અર્વાચીન રાસોત્સવમાં વધારો થયો છે. ગત વર્ષે શહેરમાં પોલીસ સ્ટેશનમાં 76 પ્રાચીન ગરબી નોંધાઇ હતી જેમાં આ વર્ષે ઘટાડો થઇને 68 નોંધાઇ છે. તેમજ અર્વાચીન રાસોત્સવ ગત વર્ષે આંકડો 10 હતો જે આ વર્ષે વધીને 22 થયો છે. જૂનાગઢ શહેરમાં દર વર્ષે પ્રાચીન ગરબીઓના આયોજનોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો પાર્ટી પ્લોટના મોટા રાસોત્સવ તરફ વળી રહ્યા છે.
- Advertisement -
શહેરમાં અગાઉના વર્ષોમાં નરસિંહ મહેતા, વણઝારી ચોક, ગાંધીગ્રામ, ભવનાથ સહિતની નામચીન પ્રાચીન ગરબીઓમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હતુ. જેમાં સળગતી ઇંઢોણીનો રાસ, ભૂવા રાસ પ્રચલીત હતા. જેમ- જેમ ટેક્નોલોજીનો વધારો થતો ગયો તેમ પ્રાચીન ગરબીમાં પણ ઘટાડો થતો જાય છે.
હાલના સમયમાં યુવાધનને ઓરકેસ્ટ્રા, ડીજેના તાલે ગરબે રમવાનો આનંદ માણી રહ્યા છે. જે ગરબી મફતમાં જોવા મળતી એના કરતા પૈસા દઇને જોવા મળતી ગરબીઓની સંખ્યામાં હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ, જૂનાગઢ શહેરમાં ગત વર્ષની સરખામણીએ પ્રાચીન ગરબામાં 8નો ઘટાડો અને અર્વાચીન રાસોત્સવમાં 12 નો વધારો થયો છે.