પાંચ દિવસની મહેનત અને મશિનોની મદદ પછી પણ હનુમાનજીની પ્રતિમા ટસથી મસ ન થઈ
રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન તંત્ર હનુમાનજીની મૂર્તિ એક ઈંચ પણ હટાવી ન શક્યું
- Advertisement -
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન પ્રાચીન 170 વર્ષ જૂની ‘ખડે હનુમાન’ની પ્રતિમાને ખસેડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પસીના છૂટી ગયા છે. સતત ત્રણ દિવસ સુધી ભારે ક્રેનની મદદથી પ્રયાસો કરવા છતાં પ્રતિમા પોતાની જગ્યાએથી ટસથી મસ થઈ નથી. આ ઘટના સમગ્ર દેશમાં ભારે કૌતુક અને આશ્ચર્યનો વિષય બની છે. હિન્દુ સંગઠનો, સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકોએ હનુમાન ચાલીસાના પાઠ સાથે આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉજ્જૈનમાં યોજાનારા મહાકુંભ ‘સિંહસ્થ 2028’ અને બાબા મહાકાલની શાહી સવારીના સુગમ સંચાલન માટે કંઠાલ ચાર રસ્તાથી છત્રી ચોક સુધીનો માર્ગ પહોળો કરવામાં આવી રહ્યો છે. આ રૂટ વચ્ચે આવતા પ્રાચીન ખડે હનુમાન મંદિરની પ્રતિમાને અન્યત્ર સુરક્ષિત સ્થાનાંતરિત કરવા વહીવટી તંત્ર છેલ્લા પાંચ દિવસથી મથામણ કરી રહ્યું છે. જોકે, ગત ગુરુવારથી શરૂ થયેલી મૂર્તિ હટાવવાની કામગીરી હજુ સુધી સફળ થઈ શકી નથી.
તંત્ર દ્વારા મંદિરના બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે અને પ્રતિમાની સુરક્ષા માટે કેનોપી ટેન્ટ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે છોટા સરાફા, બડા સરાફા, ગોપાલ મંદિર અને ક્ષિપ્રા નદીનો આ વિસ્તાર પ્રાચીન ઉજ્જયિનીનો ઐતિહાસિક ભાગ છે, જે સિંધિયા રાજવંશ અને રાજા ભોજના શાસનકાળના ગૌરવશાળી વારસા સાથે સંકળાયેલો છે.
- Advertisement -
પ્રાણ-પ્રતિષ્ઠિત પ્રતિમાને બળપૂર્વક ખસેડવાનો સંતો અને ભક્તો વિરોધ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે સ્વયં હનુમાનજી અહીંથી જવા માંગતા નથી. સ્થાનિક અહેવાલો મુજબ, રાત્રિના સમયે જ્યારે પ્રતિમાને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી રહી હતી ત્યારે અચાનક સામેના વીજ પોલ પર ભારે સ્પાર્કિંગ સાથે બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર વિસ્તારની લાઈટ ગુલ થઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં કોઈ અણબનાવ કે અપશુકન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજા ભોજના કાળની પ્રતિમા હોવાની શક્યતા
પુરાતત્વ નિષ્ણાત આ સમગ્ર મામલે વિક્રમ યુનિવર્સિટીના પુરાતત્વ નિષ્ણાત પ્રો. ડૉ. રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા માળવાના અત્યંત મજબૂત કાળા બેસાલ્ટ પથ્થરમાંથી કંડારાયેલી છે. તે પરમાર વંશ અને રાજા ભોજના સમયની (આશરે 1000 વર્ષ જૂની) મૂર્તિ નિર્માણ પરંપરા સાથે જોડાયેલી હોઈ શકે છે. પ્રતિમાનું ચોક્કસ આયુષ્ય અને સ્થાપનાનો સમય જાણવા વૈજ્ઞાનિક પરીક્ષણ જરૂરી છે. આવી પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને મનસ્વી રીતે ખસેડવાને બદલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કે રાજ્ય પુરાતત્વ વિભાગની વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવી જોઈએ. અધિકારીઓના કહેવા મુજબ હવે મંગળવારે ફરી એકવાર સંપૂર્ણ તકેદારી સાથે પ્રતિમાને વિસ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.




