વરસાદી ગતિવિધિ ન વધે તો કૃષિક્ષેત્રથી માંડીને જળાશયોની સ્થિતિ વધુ ચિંતા સર્જશે
મધ્ય તથા ઉતર પશ્ચિમી ક્ષેત્રમાં ગણ્યાગાંઠયા-છુટ્ટાછવાયા વાદળો
- Advertisement -
ચોમાસું હજુ સતાવાર રીતે પાછુ ખેંચાયુ નથી, 15થી 21 સપ્ટેમ્બરથી વિદાય શરૂ થવાનું શક્ય
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં મેઘરાજા રીસાયા હોય તેમ એકાદ મહિનાથી કોઈ નોંધપાત્ર વરસાદ નથી અને કૃષિક્ષેત્રથી માંડીને જળાશયોની સ્થિતિ સુધી ચિંતા વધી રહી છે ત્યારે સમગ્ર દેશના આકાશમાંથી વાદળો અદ્રશ્ય થઈ જતા ચોમાસુ પાછુ ખેંચાવા લાગવાની અટકળો શરૂ થઈ છે. સેટેલાઈટ તસ્વીરમાં સમગ્ર દેશમાં કયાંય પણ વાદળોનુ નામોનિશાન નજરે ચડતુ નથી. જો કે, નૈઋત્ય ચોમાસુ પાછુ ખેંચાવા લાગ્યાની હજુ હવામાન વિભાગે કોઈ સતાવાર જાહેરાત કરી ન હોવાથી વરસાદી રાઉન્ડની આશા અકબંધ છે. સેટેલાઈટ ઈમેજમાં ખાસ કરીને ઉતર પશ્ચીમ તથા મધ્ય ભારતના આકાશમાં માત્ર ગણ્યાગાંઠયા છુટાછવાયા વાદળો દેખાય રહ્યા છે. માત્ર ભારત ઉપખંડ જ નહીં પરંતુ અરબી સમુદ્રથી માંડીને પશ્ચીમી પેસીફીક સુધી આકાશમાંથી વાદળો અદ્રશ્ય હોવાનું ચિત્ર છે. તેમાં ચીનના અમુક ભાગો ઈન્ડોનેશિયા, સુમાત્રા તથા દક્ષિણ અને પુર્વીય એશિયાના ક્ષેત્રો પણ આવી જાય છે.
અવકાશમાંથી મોટા પ્રમાણમાં વાદળો અદ્રશ્ય થયાના ઘટનાક્રમને અલ-નીનો સંલગ્ન વ્યાપક વાતાવરણ પરિવર્તન સાથે જોડવામાં આવે છે. સમગ્ર ક્ષેત્રમાં સરકયુલેશન પેટર્ન બદલાવાથી ચોમાસુ પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે, નિષ્ણાંતોએ એવો દાવો કર્યો છે કે, આકાશમાં વાદળો ન દેખાવાનો અર્થ ભારતમાંથી ચોમાસુ પાછુ ખેંચાયાનો થતો નથી. ઉતર પશ્ચીમી ભારતમાંથી ૧૫મી સપ્ટેમ્બર પછી જ ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા છે. ચાલુ માસના બીજા સપ્તાહથી જ ચોમાસુ પાછી ખેંચાવાની પ્રક્રિયા માટેની અનુકુળ સિસ્ટમ સર્જાઈ શકે છે. યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ તથા ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ જેવી હવામાન એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે ઉતર પશ્ચીમી ભારત પર હવે ચોમાસુ પાછુ ખેંચાવાની એન્ટીસાયકલોન સીસ્ટમ મજબૂત બની શકે છે.
૨૧મી સપ્ટેમ્બર આસપાસ તે પ્રક્રિયા સંપૂર્ણ બનવાની સંભાવના છે અને ચરોમાસાની વિદાય થઈ જવાનુ અનુમાન
છે. ભારતના ચોમાસા-હવામાન સાયકલ માટે આ પ્રક્રિયા મહત્વની હોય છે. ઉતરપશ્ચીમી ક્ષેત્રમાંથી ચોમાસાની વિદાય સાથે દેશભરમાં વરસાદી ગતિવિધિ ધીમી પડી જતી હોય છે. આકાશ સ્વચ્છ બનવા સાથે હવામાં ભેજનુ પ્રમાણ ઘટી જાય છે અને સુકુ વાતાવરણ સર્જાતુ હોય છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભારતીય અવકાશમાં હાલ વાદળોની ગેરહાજરી માત્ર નબળી ચોમાસુ-વરસાદી ગતિવિધિ જ સુચવે છે અને ચોમાસુ હજુ પાછુ ખેંચાયુ નથી. આવતા દિવસોની વાતાવરણની પરીસ્થિતિ પર ચોમાસાના પાછા ખેંચાવાનો આધાર રહેશે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં ઓગષ્ટ મહિનો કોરા જેવો જ રહ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ અત્યાર સુધી ખાસ વરસાદ નથી. મોટાભાગના રાજયો સહિત સમગ્ર દેશમાં વરસાદી ખાધ વધી રહી છે. કૃષિક્ષેત્ર તથા જળાશયોમાં પાણી મામલે ચિંતાનો માહોલ છે તેવા સમયે વાદળોનું અદ્રશ્ય થવાનુ પણ સૂચક ગણાય છે. ચોમાસાની વિદાયને આડે વધુ દિવસો નથી ત્યારે ફરી વરસાદી ગતિવિધિ સર્જાય છે કે કેમ તેના પર નજર છે.




