રાજકોટમાં ભેળસેળ અને ગંદકી સામે RMCની તવાઈ : 93 પેઢીનું ચેકિંગ, કુલ રૂ.27 હજારનો દંડ
કાલાવડ રોડ પરની SLURIT માંથી 10 કિલો અને સાધુવાસવાણી રોડ પરની રવિકાંતવિંદ પાણીપુરી વાલામાંથી 20 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, અખાદ્ય વસ્તુઓના વેચાણ અને અસ્વચ્છ પરિસ્થિતિ સામે સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 93 પેઢીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 115 કિલો અખાદ્ય, વાસી અને એક્સપાયર થયેલા ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 22 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપવામાં આવી હતી, જ્યારે કુલ રૂ.27,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ તપાસ દરમિયાન કુલ 7 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
બેડીપરા વિસ્તારમાં ખાદી ગ્રામઉદ્યોગ સામે આવેલા ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઈનીઝમાં તપાસ દરમિયાન વાસી, પડતર, કાપેલા અને બાફેલા શાકભાજી, વાસી મન્ચુરીયન, પડતર સોસ, ચટણી, ગ્રેવી, દાઝેલું તેલ અને પડતર લોટ સહિત કુલ 52 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. રૈયા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી વિશ્વા ફૂડ્સ (Drizzles Pizza)માંથી વાસી કાપેલા શાકભાજી, પડતર લોટ અને લેબલ વગરના પેકેટ સહિત 23 કિલો જથ્થો નાશ કરી રૂ.10,000નો ચાર્જ વસૂલાયો હતો. કાલાવડ રોડ પરની SLURIT માંથી એક્સપાયર બ્રેડ, કાપેલા શાકભાજી, પડતર-વાસી રાઈસ અને નૂડલ્સ સહિત 10 કિલો જથ્થો નાશ કરાયો હતો અને રૂ.2,000નો ચાર્જ વસૂલાયો હતો. સાધુવાસવાણી રોડ પાછળ આવેલી રવિકાંત વિંદ પાણીપુરી વાલામાંથી સડેલા-બાફેલા બટેટા અને જીવાતવાળો લોટ મળી કુલ 20 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને નોટિસ આપી રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાંથી 7 ખાદ્ય નમૂના લઇ લેબમાં મોકલાયા
પંડિત દિનદયાલ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં લાઇસન્સ અને યોગ્ય સ્ટોરેજ અંગે નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગે લુઝ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, સીંગતેલ, પ્રીપેડ લુઝ દાળ, ટીંડોળા-બટેટાની સબ્જી અને રાઈસ એમ કુલ સાત નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે.




