તાત્કાલિક નિરાકરણ કરવા કોંગ્રેસ આગેવાનોએ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી વિવિધ મુશ્કેલીઓના તાત્કાલિક નિવારણની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં દવાઓની ઉપલબ્ધતા, થેલેસેમિયા દર્દીઓ માટે રક્તની વ્યવસ્થા, હોસ્પિટલ પરિસરની સ્થિતિ તેમજ ભોજન અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓ ધ્યાન પર લાવવામાં આવ્યા છે. રજૂઆત મુજબ સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓ માટે જરૂરી સામાન્ય તેમજ જીવનજરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો મળી રહી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને બહારથી દવા ખરીદવાની ફરજ ન પડે તે માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની માંગ કરવામાં આવી છે.
- Advertisement -
થેલેસેમિયા દર્દીઓ માટે રક્તની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાતા હોવા છતાં જરૂરિયાતના સમયે થેલેસેમિયા દર્દીઓને રક્તની અછત પડતી હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈ બ્લડ બેન્કની સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ કરાઈ છે. જામનગર રોડ તરફના ગેટથી ઇમરજન્સી વિભાગ સુધીના માર્ગ પર આવેલા અનેક સ્પીડ બ્રેકર અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓને 108 જેવી એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવતા હોવાથી વારંવારના સ્પીડ બ્રેકરના કારણે દર્દીને વધુ આંચકો લાગવાની શક્યતા વ્યક્ત કરી જરૂરી ટેકનિકલ તપાસની માંગ કરાઈ છે. હોસ્પિટલ કેમ્પસમાં આવેલા મોટા ખાડાઓના કારણે ટ્રોલી, સ્ટ્રેચર અને વ્હીલચેર દ્વારા દર્દીઓને લઈ જવામાં મુશ્કેલી તથા અકસ્માતનું જોખમ હોવાની રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરાઈ છે.
આ ઉપરાંત દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં જીવજંતુ મળી આવ્યાની ઘટનાનો ઉલ્લેખ કરી ભોજનની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, પાણીની શુદ્ધતા અને કાચા માલની તપાસ માટે કડક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકી અંગેની ફરિયાદોને પગલે રોજિંદી અને સતત સફાઈ વ્યવસ્થા જાળવવા, નિયમિત ચકાસણી કરવા તથા બેદરકારી સામે જવાબદારી નક્કી કરવા પણ રજૂઆત કરાઈ છે.આ રજૂઆત ડો. હેમાંગ વસાવડા, અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઈ પુજારા, જગુભા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી અને ડી.પી. મકવાણા સહિતના કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. તેમણે દર્દીઓના આરોગ્ય અને સલામતી સાથે સીધા સંકળાયેલા તમામ પ્રશ્નોનું સ્થળ નિરીક્ષણ કરી સમયબદ્ધ રીતે નિરાકરણ લાવવા માંગ કરી છે.




