સિટીઝન પોર્ટલ કે એપ પર ઓનલાઇન એન્ટ્રી બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોર્મ જમા કરાવવું અનિવાર્ય
શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, શહેરમાં રહેણાંક મકાનો તેમજ વ્યાપારી એકમોમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી અને વિવિધ કારીગરોની માહિતી પોર્ટલ પર નોંધાવવી અને પોલીસ સ્ટેશનમાં ઓળખના પુરાવા જમા કરાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
ઔદ્યોગિક એકમો, મકાનો, બંગલા, દુકાનો, કારખાનાઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના તમામ પ્રાઇવેટ સેક્ટર્સ, ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર્સ અને મેનેજમેન્ટ સ્ટાફ ધરાવતા યુનિટ્સને આ આદેશ લાગુ થશે. આ તમામ સ્થળોએ કાયમી, હંગામી, દૈનિક કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા તમામ કર્મચારીઓની નોંધણી કરાવવાની રહેશે.પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલું આ જાહેરનામું તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. નિયમોનું પાલન ન કરનાર કે વિગતો છુપાવનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધણી પ્રક્રિયા અને જરૂરી નિયમો
- Advertisement -
માલિકોએ તમામ કર્મચારીઓની વિગતો સિટીઝન પોર્ટલ વેબસાઇટ (gujhome.gujarat.gov.in) અથવા ‘સિટીઝન ફર્સ્ટ’ એન્ડ્રોઇડ એપ્લિકેશન પર ઓનલાઇન નોંધાવવાની રહેશે.
ઓનલાઇન નોંધણી ઉપરાંત, માલિકે પોતાના ફોટોગ્રાફ, વિગતો, ઓળખના પુરાવા અને સંપર્ક નંબર સાથે નિયત નમૂનાનું ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું પડશે.
જો કામે રાખવામાં આવેલ વ્યક્તિ અન્ય રાજ્યની હોય, તો તેની ઓળખાણ આપનાર બે સંદર્ભ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ગુજરાતી અને બીજી વ્યક્તિ સંબંધિત રાજ્ય/જિલ્લાની હોવી અનિવાર્ય છે.




